બગદાદ: ઇરાકમાં ફેશનની દુનિયામાં સૌથી ચર્ચિત નામ અને મોડલ તારા ફારેસની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. ઇરાક જેવા કટ્ટરપંથી દેશમાં પોતાની મોર્ડન લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહેનારી તારા લાંબા સમયથી કટ્ટરપંથીઓના નિશાના પર હતી. ગુરુવારે રાતે ઇરાકની રાજધાની બગદાદમાં તેમની કારમાં જ તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. 22 વર્ષની તારા ઇરાકમાં સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલો થતી હસ્તી હતી. ગોળી વાગ્યા બાદ તેને બગદાદની શેખ ઝાયદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેને 3 ગોળીઓ વાગી જેના કારણે તેનું મોત થયું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારા મિસ ઇરાક અને મિસ બગદાદ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. તે ઈરબિલમાં રહેતી હતી. જે ઇરાકના કુર્દિસ્તાનની રાજધાની છે. જો કે હાલ તારા બગદાદમાં રહેતી હતી. ફક્ત ઈન્સ્ટાગ્રામ ઉપર જ તારાના 27 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે છાશવારે યુટ્યૂબ પર પોતાના વીડિયો અપલોડ કરતી રહેતી હતી. 


તારાના મોત બાદ તેમનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો અપલોડ થયો. જેમાં અરબી અને અંગ્રેજીમાં એક સંદેશો લખ્યો હતો. જો કે હજુ સ્પષ્ટ નથી થયું કે આ ફોટો કોણે અપલોડ કર્યો છે. કહેવાય છે કે તેને ઈરબિલમાં સતત ધમકીઓ મળી રહી હતી. આ જ કારણે તે ઈરબિલથી બગદાદ આવી ગઈ હતી. જે પ્રકારની લાઈફસ્ટાઈલ તે જીવતી હતી તેના કારણે તેને કટ્ટરપંથીઓ સતત ધમકીઓ આપી રહ્યાં હતાં. 



ઈરાકમાં આ અગાઉ પણ ફેશન અને બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓને નિશાન બનાવવામાં આવી છે. રફીલ અલ યાસેરી અને રાશ અલ હસન નામની મોડલની ઓગસ્ટમાં હત્યા કરી દેવાઈ હતી. તેમની હત્યાના કારણો હજુ સુધી જાણવામાં આવ્યાં નથી પરંતુ એવું કહેવાય છે કે આ હત્યાઓ પાછળ પણ કટ્ટરપંથી તાકાતોનો હાથ છે.