`ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા`, હમાસનો દાવો
ગાઝાના અધિકારીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલે ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પને નિશાન બનાવ્યું, જેમાં 50 જેટલા લોકોના મોત થયા છે.
ગાઝાઃ હમાસ વિરુદ્ધ ઇઝરાયલનું સૈન્ય અભિયાન જારી છે, ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે મંગળવાર (31 ઓક્ટોબર) એ હમાસ તરફથી સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એક શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે અને આશરે 150 લોકો ઈજાગ્રસ્ત થયા અને અન્ય લોકો કાટમાળમાં દબાયા છે.
કથિત હુમલાને લઈને ઇઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અલજઝીરાના રિપોર્ટ પ્રમાણે ગાઝાના આંતરિક મંત્રાલયે કહ્યું કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી શિબિરના એક રહેણાક વિસ્તારમાં એપાર્ટમેન્ટ બ્લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે. તો નજીકની ઈન્ડોનેશિયાઈ હોસ્પિટલના ડાયરેક્ટરે પણ 50 લોકોના મોત થવાની વાત કહી છે.
આ પણ વાંચોઃ માત્ર 7 મહિનાની ઓફર: આ દેશ ભારતીયોને વિઝા વિના આપી રહ્યો છે આમંત્રણ, સુંદરતાનો આનંદ
ગાઝા સિટીના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર હુમલાનો દાવો
એક રિપોર્ટ પ્રમાણે ગાઝા સિટીની ઉત્તરમાં જબાલિયા શિબિર આઠ શરણાર્થી શિબિરોમાં સૌથી મોટી છે. જુલાઈ 2023 સુધી સંયુક્ત રાષ્ટ્રએ ત્યાં 116000થી વધુ શરણાર્થીઓની નોંધણી કરી હતી. અહીં 1948ના જંગ બાદથી શિબિરોમાં શરણાર્થીઓ રહેવા લાગ્યા હતા. આ વિસ્તાર નાનો છે પરંતુ વસ્તી ગીચ છે, જે માત્ર 1.4 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં મોટા ભાગની રહેઠાણ બિલ્ડિંગો છે. જબાલિયા એ વિસ્તારમાં છે જેને ઇઝરાયલે ઇવેક્યુએશન ઝોન જાહેર કર્યો છે.
એએફપીના એક વીડિયો ફુટેજમાં દેખાડવામાં આવ્યું છે કે શિબિરમાં થયેલા હુમલા બાદ કાટમાળમાંથી ઓછામાં ઓછા 47 મૃતદેહો જપ્ત થયા છે. અલજઝીરાના રિપોર્ટ પ્રમાણે 7 ઓક્ટોબરથી ઇઝરાયલી હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 8525 પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં 1400થી વધુ ઇઝરાયલી લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube