ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવશે ભારત! UN માં સાથ ન મળ્યો છતાં આ દેશને છે અખૂટ વિશ્વાસ
જોર્ડન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત મતદાનથી દૂર રહ્યાના કેટલાક દિવસ બાદ દિલ્હીમાં રાજદૂત મોહમ્મદ અલ કાયદે મોટું નિવેદન આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયેલ હમાસ યુદ્ધને તત્કાળ રોકવા માટે જોર્ડન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવથી ભારત દૂર રહ્યું આમ છતાં જોર્ડનને વિશ્વાસ છે કે ઈઝરાયેલ હમાસ યુદ્ધમાં ભારતની મહત્વની ભૂમિકા હશે. જોર્ડન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત મતદાનથી દૂર રહ્યાના કેટલાક દિવસ બાદ દિલ્હીમાં રાજદૂત મોહમ્મદ અલ કાયદે કહ્યું કે ભારતનો કોલ એક સાર્વભૌમ નિર્ણય હતો અને જોર્ડન તેનું સન્માન કરે છે. એટલું જ નહીં જોર્ડને કહ્યું કે ભવિષ્યમાં ભારત બંને પક્ષો વચ્ચે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
જોર્ડનના રાજદૂત મોહમ્મદ અલ કાયદે બુધવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે ભવિષ્યમાં બંને પક્ષોની ભૂમિકા ભજવવા માટે વચ્ચે રહેવાની કોશિશના કારણે પ્રસ્તાવથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. વાત જાણે એમ છે કે ગત સપ્તાહે ભારતે તે પ્રસ્તાવ પર મતદાન નહતું કર્યું જેમાં 7 ઓક્ટોબરના રોજ હમાસ કે હમાસના હુમલા દરમિયાન હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા ઈઝરાયેલીઓનો ઉલ્લેખ નહતો. તે પ્રસ્તાવના પક્ષમાં 120 મત પડ્યા જ્યારે વિપક્ષમાં 14 મત પડ્યા, 45 દેશોએ અંતર જાળવ્યું.
જોર્ડનના રાજદૂત મોહમ્મદ અલ કાયદાએ કહ્યું કે અમે સારી રીતે જાણીએ છીએ કે પ્રત્યેક દેશ પોતાના હિતો મુજબ આ વલણ અપનાવે છે. આ ભારતનો નિર્ણય છે અને અમે તેમાં હસ્તક્ષેપ કરતા નથી. તેમણે કહ્યું કે જોર્ડન પણ માને છે કે ભારત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ખુબ સક્રિય રીતે સામેલ થતું રહ્યું છે અને યુદ્ધ સમાપ્ત કરવામાં કેટલીક સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે હવે દુનિયાાં એક ઉભરતી શક્તિ તરીકે અને જી20 તથા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ જેવી પહેલ બાદ ભારત એક મોટી ભૂમિકા ભજવી શકે છે.
ઈઝરાયેલ દ્વારા ગાઝામાં સોથી મોટા શરણાર્થી શિબિર પર હુમલાના એક દિવસ બાદ કાયદે કહ્યું કે ઈઝરાયેલ બિલકુલ આ જ કરવા માંગતુ હતું- લોકોને વિસ્થાપિત કરવા અને સ્થળાંતર કરાવવું, અને જોર્ડન તેનો સંપૂર્ણ રીતે વિરોધ કરતું હતું. વાસ્તવમાં તમામ આરબ દેશ તેમાં એકજૂથ હતા. તેમણે કહ્યું કે આ તે તમામ લોકો માટે એક ખતરાની રેખા હતી. અત્રે જણાવવાનું કે હમાસના હુમલા બાદ ઈઝરાયેલ ગાઝામાં જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં સેંકડો પેલેસ્ટાઈન નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. આરોપ છે કે ઈઝરાયેલે ગાઝામાં સૌથી મોટા શરણાર્થી શિબિર પર હુમલો કર્યો છે જેમાં અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
આ અગાઉ 23 ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતિયને ફોન કર્યો હતો અને જંગમાં હિંસા, આતંક અને નાગરિકોના જીવનના નુકસાન પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતિય સાથે વાત કરી. પશ્ચિમ એશિયાની ઘટનાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. અમે આતંકવાદ, હિંસા અને લોકોના મોત મામલે ચિંતાઓ શેર કરીએ છીએ. સુરક્ષા અને માનવીય સ્થિતિના જલદી સમાધાન માટે નક્કર પ્રયત્નોની જરૂરિયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube