Israel Hamas War: ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે બાળકોના શરીર પર માતા પિતા બનાવડાવી રહ્યા છે ટેટૂ? જાણો કારણ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંધર્ષમાં નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. એવા રિપોર્ટ્સ છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ગાઝામાં માતા પિતા પોતાના બાળકોના શરીર પર ટેટૂ ત્રોફાવી રહ્યા છે. જેથી કરીને હુમલામાં જો તેઓ માર્યા જાય તો તેમની ઓળખ થઈ શકે. આંકડા જણાવી રહ્યા છે કે હાલ ચાલી રહેલા સંઘર્ષમાં 4 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ બાળકોના હાથ અને પગમાં અરબી ભાષામાં તેમના નામ છૂંદાવી રહ્યા છે. કેટલાક વીડિયોમાં નજરે ચડી રહ્યુ છે કે ચાર બાળકોના સંઘર્ષમાં મોત થયા હતા. તેમાં તમામ ચાર બાળકો મડદાઘરમાં જોવા મળી રહ્યા છે જ્યાં તેમના પગ પર નામ છૂંદાવેલા છે. હાલ એ સ્પષ્ટ નથી કે આ બાળકોના માતા પિતા જીવિત છે કે નહીં.
એવું કહેવાય છે કે હાલની સ્થિતિમાં આ પ્રક્રિયા ખુબ સામાન્ય થઈ ગઈ છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. બાળકો સહિત અનેક ઘાયલો કોરિડોરમાં સૂતેલા છે.
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલી ફાઈટર વિમાનોએ આખી રાત અને રવિવારે આખો દિવસ ગાઝામાં વિવિધ ઠેકાણે હુમલાની સાથે સીરિયામાં બે એરપોર્ટ અને વેસ્ટ બેંકમાં એક મસ્જિદને નિશાન બનાવી. જેનો ઉપયોગ આતંકીઓ કરી રહ્યા હતા. આ સાથે જ હમાસ સાથે ચાલી રહેલું યુદ્ધ અન્ય મોરચે પણ ભડકે તેવી આશંકા છે.
અનેક દિવસોથી એવું લાગી રહ્યું છે કે ઈઝરાયેલ સાત ઓક્ટોબરે હમાસ દ્વારા થયેલા અપ્રત્યાશિત હુમલાની પ્રતિક્રિયા રૂપે ગાઝામાં જમીની આક્રમણ શરૂ કરવાની તૈયારીમાં છે. સરહદ પર ટેંકો અને હજારો સૈનિકો ગોઠવાયેલા છે. ઈઝાયેલી સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હાગેરીએ કહ્યું કે દેશે ગાઝામાં હવાઈ હુમલા વધાર્યા છે. જેથી કરીને યુદ્ધના આગામી તબક્કામાં સૈનિકો માટે જોખમ ઓછું થઈ શકે.