Israel Hezbollah War: ઈઝરાયેલે તો જાણે હિજબુલ્લાહના ખાતમાની કસમ ખાઈ લીધી છે. આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ અને દબાણની પરવા ન કરતા ઈઝરાયેલી સેનાએ લેબનોનમાં હુમલા વધુ તેજ કર્યા છે. સોમવારે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (IDF)એ લેબનોનમાં મોટા પાયે એર સ્ટ્રાઈક કરી. સોમવાર લગભગ છેલ્લા 20 વર્ષના સંઘર્ષનો સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારે બોમ્બારીમાં ઓછામાં ઓછા 492 લોકો માર્યા ગયા છે. 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના જણાવ્યાં મુજબ તેણે હિજબુલ્લાહના 1300થી વધુ ઠેકાણાઓને નિશાન  બનાવ્યા. હિજબુલ્લાહે પણ ઉત્તરી  ઈઝરાયેલ તરફ 200થી વધુ રોકેટ છોડ્યા. તમામ રિપોર્ટ્સ મુજબ લેબનોનમાં હાલ અફરાતફરીનો માહોલ છે. હજારો પરિવારો ઘર છોડીને જતા રહ્યા છે. આ બધા વચ્ચે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ મંગળવારે અમેરિકાના પ્રવાસે જવાના છે. તેઓ 27 સપ્ટેમ્બરના રોજ UNGA ને સંબોધિત કરશે. ઈઝરાયેલ અને હિજબુલ્લાહની જંગ વચ્ચે લેબનોનમાં ભારે તબાહી મચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેરૂતમાં ચોથો હુમલો
ઈઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે હિજબુલ્લાના 1300 ઠેકાણા પર હુમલો કર્યો. આ સૈન્ય અભિયાન 2006 ના યુદ્ધ બાદથી હિજબુલ્લા દ્વારા બનાવવા આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નાશ કરવા માટે ચલાવવામાં આવ્યું. યુદ્ધ શરૂ થયા બાદથી બેરુતમાં આ ઈઝરાયેલનો ચોથો હુમલો છે. 


તબાહીનો મંજર
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 492 લોકોના મોત થયા છે. જેમાં 35 બાળકો અને 58 મહિલાઓ સામેલ છે. જ્યારે 1645 લોકો ઘાયલ થયા છે. જો કે લેબનોને એ ન જણાવ્યું કે તેમાંથી કેટલા નાગરિકો કે હિબુલ્લાહના માણસો હતા. 


હિજબુલ્લાહના કમાન્ડરની પાછળ પડ્યું હતું ઈઝરાયેલ
ઈઝરાયેલી મીડિયાએ સુરક્ષાસૂત્રોના હવાલે જણાવ્યું કે સોમવારે સાંજે બેરુતમાં કરાયેલા હવાઈ હુમલાનો હેતુ હિજબુલ્લાહના સીનિયર કમાન્ડર અલી કરાકીને પતાવવાનો હતો. કરાકી હિજબુલ્લાહના કથિત દક્ષિણ ફ્રન્ટનો ચીફ છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યાં મુજબ તે દક્ષિણ લેબનોનમાં આતંકી સમૂહની ગતિવિધિઓ સંભાળે છે. તે હિજબુલ્લાહની ટોપ મિલેટ્રી સંસ્થા જિહાદ કાઉન્સિલનો સભ્ય છે. હજુ જો કે એ પુષ્ટિ નથી થઈ કે કરાકી હુમલામાં માર્યો ગયો કે નહીં. 


યુએનની અપીલ, બીજું ગાજા ન બનવા દો
દુનિયાભરની તાકાતો ઈઝરાયેલ અને હિજબુલ્લાહને સંયમ વર્તવાની અપીલ કરે છે. જો કે બંને પક્ષ પૂર્ણ યુદ્ધ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ નથી  ઈચ્છતા કે લેબનોન બીજુ ગાઝા બને. યુરોપીયન યુનિયનના વિદેશ મામલાઓના પ્રમુખ જોસેપ બોરેલે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ નેતાઓની બેઠક પહેલા કહ્યું કે આ તણાવ ખુબ ખતરનાક અને ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આપણે લગભગ પૂર્ણ યુદ્ધમાં છીએ.