ઈઝરાયેલે હમાસના નવા ચીફ યાહ્રા સિનવારને પણ મારી નાખવાનો દાવો કર્યો છે. જે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલ પર હમાસ દ્વારા થયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનું કહેવાય છે. સિનવાર સંયોગથી ગુરુવારે ગાઝાના રફાહમાં અભિયાન ચલાવી રહેલી ઈઝરાયેલી સેનાને હાથ લાગી ગયો. એક ડ્રોન દ્વારા તેની ઓળખ થઈ અને પછી ઈમારતને જમીનદોસ્ત કરી નાખવામાં આવી. કાટમાળમાંથી સિનવારનો મૃતદેહ પણ હાથ લાગ્યો હોવાનો દાવો કરાયો છે. તેની ઓળખની પુષ્ટિ માટે DNA, ડેન્ટલ રેકોર્ડ્સ અને ફિંગરપ્રિન્ટ્સનો સહારો લેવામાં આવ્યો. ઈઝરાયેલી સેનાએ હમાસના ચીફની અંતિમ પળોનો વીડિયો પણ શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો...આ રીતે માર્યો ગયો હમાસ ચીફ યાહ્યા સિનવાર
ઈઝરાયેલી સેના ડ્રોન્સ દ્વારા વિસ્તારનો સર્વે કરે છે અને પછી આગળ વધે છે. ગુરુવારે આવી જ એક કાર્યવાહી દરમિયાન એક ડ્રોનને ઈમારતની અંદર સોફા પર એક વ્યક્તિ બેઠેલો  દેખાયો. ડ્રોન તે તરફ ગયું તો તે વ્યક્તિએ ઓળખ છૂપાવવા માટે ડ્રોન પર લાકડીનો ટુકડો ફેંક્યો. જો કે ત્યાં સુધીમાં તો ડ્રોને યાહ્રા સિનવારને ઓળખી લીધો હતો. તે ઘાયલ જોવા મળ્યો. 



ડ્રોન દ્વારા ઓળખ કન્ફર્મ થયાના ગણતરીની પળોમાં ઈઝરાયેલે આ ઈમારતને જમીનદોસ્ત કરી નાખી. સિનવાર સાથે બે અન્ય આતંકીઓ પણ માર્યા ગયા. રિપોર્ટ્સ મુજબ સિનવારના મૃતદેહ પાસેથી એક બુલેટપ્રુફ વેસ્ટ, ગ્રેનેડ્સ અને 40000 શેકેલ્સ મળ્યા. 


લીધો બદલો
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે હમાસના આતંકવાદી નેતા યાહ્રા સિનવારે ઈઝરાયેલ વિરુદ્ધ વર્ષ 2023માં 7 ઓક્ટોબરના રોજ એક ભીષણ હુમલાની યોજના ઘડી હતી. તેમણે તેને યહુદીઓ પરના સૌથી ભયાનક હુમલા તરીકે ગણાવ્યો. જે હોલોકોસ્ટ (યહૂદી નરસંહાર) બાદ સૌથી વધુ ખતરનાક હતો. 


આ હુમલામાં આતંકીઓએ 1200 લોકોની નિર્દયતાથી હત્યા કરી. જેમાં વૃદ્ધ, હોલોકોસ્ટના જીવિત બચેલા લોકો અને બાળકો સામેલ હતા. મહિલાઓ સાથે બર્બરતા કરાઈ. પુરુષોના ગળા કાપ્યા અને બાળકોને જીવતા બાળી મૂકવા જેવી ક્રુરતા કરવામાં આવી. આ ઉપરાંત 251 મહિલાઓ, પુરુષો અને બાળકોને ગાઝાના અંધારા ઠેકાણાઓમાં બંધક બનાવી લેવાયા. 


નેતન્યાહૂએ કહ્યું કે આજે આ દુષ્ટતાનો માસ્ટરમાઈન્ડ યાહ્રા સિનવાર રહ્યો નથી. તેને ઈઝરાયેલ રક્ષાદળોના બહાદુર સૈનિકોએ રફાહમાં મારી નાખ્યો. આ ગાઝામાં યુદ્ધનો અંત નથી, પરંતુ આ અંતનો પ્રારંભ જરૂર છે. નેતન્યાહૂએ કહ્યું કે આ યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે. પરંતુ તે ત્યારે શક્ય બનશે જ્યારે હમાસ પોતાના હથિયાર હેઠા મૂકે અને અમારા બંધકોને પાછા આપી દે. 


ઈઝરાયેલના પીએમએ કહ્યું કે હમાસ ગાઝામાં 101 બંધકોને રાખીને બેઠુ છે. જે 23 દેશોના નાગરિકો છે. જેમાં ઈઝરાયેલી નાગરિકો પણ સામેલ છે. ઈઝરાયેલ તમામ બંધકોને ઘરે લાવવાની પૂરેપૂરી કોશિશ કરશે અને જે લોકો બંધકોને પાછા મોકલશે તેમની સુરક્ષાની ગેરંટી પણ અપાશે. તેમણે ચેતવણી આપી કે જો કોઈ બંધકોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો ઈઝરાયેલ તેને પાતાળમાંથી પણ શોધીને ન્યાય કરશે.