આ દેશના PMના પુત્રએ મુસલમાન વિરોધી પોસ્ટ લખી, ફેસબુકે એકાઉન્ટ કર્યું બ્લોક
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સૌથી મોટા પુત્ર યાઈર નેતન્યાહૂએ ટ્વિટ કરીને કહ્યું કે મુસ્લિમ વિરોધી પોસ્ટના કારણે ફેસબુકે તેમનું એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક કરી દીધુ.
જેરુસેલમ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સૌથી મોટા પુત્ર યાઈર નેતન્યાહૂએ ટ્વિટ કરીને કહ્યું કે મુસ્લિમ વિરોધી પોસ્ટના કારણે ફેસબુકે તેમનું એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક કરી દીધુ. તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઈટના આ પગલાને 'તાનાશાહી' ગણાવ્યું. પેલેસ્ટાઈન તરફથી થયેલા ઘાતક હુમલાઓ બાદ યાઈર નેતન્યાહૂએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી કે 'બધા મુસલમાનો ઈઝરાયેલ છોડી દે'.
PAK પીએમ ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે ભારત પર સાધ્યું નિશાન, આપી ધમકી
યાઈરે એક અન્ય પોસ્ટમાં લખ્યું હતું કે શાંતિ માટે ફક્ત બે જ સંભવિત ઉપાય છે, 'કાં તો તમામ યહુદીઓ ઈઝરાયેલ છોડે અથવા તો તમામ મુસલમાનો ઈઝરાયેલ છોડે'. તેમણે લખ્યું હતું કે 'હું બીજા વિકલ્પ ઉપર ભાર મૂકું છું'. યાઈરે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ગુરુવારે મધ્ય વેસ્ટ બેંકની એક વસાહત પાસે બસ સ્ટેશન પર થયેલા હુમલામાં બે સૈનિકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
આ જ દિવસે નજીકમાં થયેલા અન્ય એક હુમલામાં એક મહિલા ગોળી લાગવાથી ઘાયલ થઈ હતી જેના કારણએ મહિલાને પ્રીમેચ્યોર ડિલિવરી થઈ ગઈ. ત્યારબાદ નવમી ડિસેમ્બરે બાળકનું પણ મોત થઈ ગયું. ફેસબુકે યાઈર નેતન્યાહૂની પોસ્ટને સાઈટ પરથી હટાવી દીધી. જેને લઈને તેમણે ટ્વિટર પર ફેસબુકની ટીકા કરી અને તેના પગલાંને 'તાનાશાહી' ગણાવ્યું.