ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના ચેરમેન એસ સોમનાથે હાલમાં જ એક પોડકાસ્ટમાં મોટું નિવેદન આપ્યું. આ પોડકાસ્ટમાં તેમણે એલિયન સભ્યતાઓની હાજરી પર ચર્ચા કરી. સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં નિશ્ચિતપણ એલિયન્સ હાજર છે અને બની શકે કે તેમની સભ્યતાઓ ભાત ભાતની રીતે વિકાસ કરી ચૂકી હોય. તેમનું આ નિવેદન એલિયન જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે એલિયન તેમને ખુબ રોમાંચિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાએ પોતાના પોડકાસ્ટ દરમિયાન જ્યારે સોમનાથને પૂછ્યું કે શું આપણા ગ્રહ પર એલિયન આવી ચૂક્યા છે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે આવું બિલકુલ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, બિલકુલ, મને તેમાં કોઈ શંકા નથી કે એલિયન આપણી ધરતી પર વિઝિટ કરી ચૂક્યા છે. પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. એલિયન અસ્તિત્વમાં છે. જો તેઓ આપણા કરતા ટેક્નોલોજીમાં આગળ હશે તેઓ તમારા પોડકાસ્ટને સાંભળી રહ્યા હશે. 



સોમનાથે માનવતાના ટેક્નિકલ વિકાસ પર ધ્યાન દોરતા કહ્યું કે "ફક્ત નવ વર્ષ પહેલાની વાત છે જ્યારે આપણી ટેક્નિકલ ક્ષમતાઓ ખુબ મર્યાદિત હતી. તેમણે ઉદાહરણ આપીને સમજાવ્યું કે જે પ્રકારે આપણી સભ્યતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નિકલ પ્રગતિ કરી છે એ જ રીતે બ્રહ્માંડમાં અન્ય સભ્યતાઓ પણ અલગ અલગ તબક્કાઓમાં હોઈ શકે છે." ઈસરો પ્રમુખે કહ્યું કે, "કલ્પના કરો કે, ક્યાંક એવી સભ્યતા છે જે તમારાથી 200 વર્ષ પાછળ છે, અને ક્યાંક બીજી એવી સભ્યતા છે જે તમારાથી 1000 વર્ષ આગળ છે." તેમનું માનવું છે કે વિકાસ અને પ્રગતિના વિવિધ સ્તરો પર હોઈ શકનારી એલિયન સભ્યતાઓ પોત પોતાના તબક્કાઓમાં બ્રહ્માંડમાં હાજર હોઈ શકે છે. 


પોતાની વાતને આગળ વધારતા સોમનાથે કહ્યું કે, અત્યાધુનિક એડવાન્સ એલિયન સભ્યતાઓ કદાચ આપણને જોઈ રહી હોય કે આપણી આસપાસ ઉપસ્થિત પણ હોય, પરંતુ તેમના સ્તરની પ્રગતિ આપણા વર્તમાન વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષમતાથી અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું કે "1000 વર્ષ વધુ પ્રગતિ કરી ચૂકેલી એલિયન પ્રણાલીઓ હંમેશાથી અહીં રહી હશે." 


આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઈસરો ચીફે એલિયન હોવાની વાત કરી છે. આ અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે કે એલિયન ધરતી પર વિઝિટ કરી ચૂક્યા છે. ઈસરો પ્રમુખનું આ નિવેદન તે સવાલોને વધુ ગાઢ બનાવે છે જે એ સમજવાનો પ્રયત્ન કરે છે કે શું વાસ્તવમાં આ વિશાળ બ્રહ્માંડમાં આપણે એકલા છીએ, કે પછી કોઈ અન્ય પણ છે જે આપણા અસ્તિત્વને જોઈ રહ્યા છે, કદાચ આપણા કરતા વધુ સમજદાર અને વિક્સિત છે.