આતંકી મસૂદે ઝેર ઓક્યું, કહ્યું-`જો અયોધ્યામાં રામ મંદિર બન્યું તો દિલ્હીથી કાબુલ સુધી તબાહી મચશે`
આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે ધમકીભરેલી ઓડિયો ટેપ જારી કરીને કહ્યું છે કે જો ભારત અયોધ્યામાં રામ મંદિર બનાવશે તો તે દિલ્હીથી લઈને કાબુલ સુધી તબાહી મચાવી દેશે.
ઈસ્લામાબાદ: આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે ધમકીભરેલી ઓડિયો ટેપ જારી કરીને કહ્યું છે કે જો ભારત અયોધ્યામાં રામ મંદિર બનાવશે તો તે દિલ્હીથી લઈને કાબુલ સુધી તબાહી મચાવી દેશે. મસૂદ અઝહરની નવ મિનિટની આ ઓડિયો ટેપમાં તેણે કહ્યું છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડીને રામ મંદિર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. હિન્દુ ત્રિશુળ લઈને અયોધ્યામાં ભેગા થઈ રહ્યાં છે. મુસ્લિમોને ડરાવવામાં આવી રહ્યાં છે. જો રામ મંદિર બન્યું તો અમારા છોકરાઓ દિલ્હીથી લઈને કાબુલ સુધી તબાહી મચાવી દેશે.
ઓડિયો ટેપના આગલા ભાગમાં મસૂદે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી જીતવા માટે આમ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે બાબરી મસ્જિદ પર અમે ગંભીરતાથી નજર રાખી રહ્યાં છીએ. જો કોઈ વિચાર છે કે તેઓ સરકારી ખર્ચે અયોધ્યામાં કઈ પણ કરી શકે છે તો અમે જીવ આપવા પણ તૈયાર છીએ. ઓડિયોમાં અઝહર મસૂદે કરતારપૂર કોરિડોરના શિલાન્યાસના અવસરે ભારતના મંત્રીઓના પાકિસ્તાન આવવા પર આપત્તિ વ્યક્ત કરી છે.
મસૂદ અઝહરના આ ઓડિયો ટેપ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષાના જાણકાર આ ઓડિયો ટેપને મસૂદ અઝહરની હતાશા પણ ગણાવે છે. જાણકારોનું માનવું છે કે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની આકરી કાર્યવાહીને લીધે જૈશ એ મોહમ્મદના મૂળિયા ઉખડી ગયા છે. આવામાં મસૂદ ભારતના આંતરિક મામલાઓ પર નિવેદનો કરીને આતંકીઓમાં ઉત્સાહ ભરવાની કોશિશ કરી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે છેલ્લા બે વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જવાનો અને જમ્મુ અને કાશ્મીરની પોલીસ આતંકીઓને બરાબર જવાબ આપી રહી છે. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષા દળોએ છેલ્લા એક વર્ષમાં ફક્ત જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં 250 જેટલા આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ સપ્લાય કરવામાં મસૂદનો અઝહરનો મોટા હાથ ગણાય છે. મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાવવામાં ચીન અડિંગો નાખે છે.
આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મૂસદ અઝહરનો બચાવ કરવા બદલ ભારત ચીનને ખંખેરી ચૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ચીનનું નામ લીધા વગર પરિષદને જણાવ્યું હતું કે આતંકવાદને પહોંચી વળવા માટે તમામ દેશો સહયોગ કરી રહ્યાં નથી. કેટલાક દેશો પોતાના વ્યક્તિગત રાજનીતિક અને વ્યૂહાત્મક ફાયદા માટે લાગ્યા છે.