અંકારા: તુર્કીના એક ટોચના વકીલે બુધવાર ખુલાસો કરતા કહ્યું કે ઈસ્તંબુલ સ્થિત સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં પત્રકાર જમાલ ખશોગીએ જેવો પ્રવેશ કર્યો કે તેમનું ગળું ઘોંટીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. તેમના મૃતદેહને ઠેકાણે લગાવતા પહેલા શરીરના અસંખ્ય ટુકડા કરી નાખવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે આ બધુ સુનિયોજિત રીતે કરવામાં આવ્યું હતું. ઈસ્તંબુલના પ્રમુખ વકીલ ઈરફાન ફિદાનના કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદનમાં પણ કહેવાયું કે સત્યનો ખુલાસો ખવાના તુર્કીના 'ભરચક પ્રયાસો' છતાં સાઉદી અરબના પ્રમુખ વકીલ અલ મોજેબની સાથે ચર્ચામાં કોઈ 'નક્કર પરિણામ' નીકળ્યું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિવેદન કોઈ તુર્કીના અધિકારી દ્વારા અપાયેલી પહેલવહેલી સાર્વજનિક પુષ્ટિ છે કે ખશોગીને ગળું દબાવીને મારી નખાયા હતાં અને તેમના શરીરના ટુકડાં કરવામાં આવ્યાં હતાં. આ જાહેરાત સાઉદી અરબના મુખ્ય વકીલ સઉદ અલ મોજેબના ઈસ્તંબુલના 3 દિવસના પ્રવાસ ખતમ થયા બાદ કરાઈ હતી. પોતાના પ્રવાસ દરમિયાન મોજેબે ફિદાન અને અન્ય તુર્કી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. 


તુર્કી ખશોગીની હત્યાને લઈને સાઉદી અરબમાં અટકાયતમાં લેવાયેલા 18 શંકાસ્પદોના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે. આ સાથે જ સાઉદી અરબ પર ખશોગીના શરીરના અવશેષો અંગે સૂચના ઉપલબ્ધ કરાવવા માટે પણ દબાણ કરી રહ્યું છે જે અંગે હજુ કઈ જાણ થઈ નથી. આ ઉપરાંત તે પત્રકારની હત્યાનો આદેશ આપનારા અંગે પણ જાણકારી માંગી રહ્યું છે. 


અત્રે જણાવવાનું કે પોતાના વિવાહ સંબંધી દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરવા માટે ખશોગી 2 ઓક્ટોબરના રોજ સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં ગયા હતાં અને ત્યારબાદ લાપત્તા થઈ ગયા હતાં. ખશોગી સાઉદી અરબના શાહી પરિવારના મુખ્ય ટીકાકાર હતાં અને અમેરિકામાં રહેતા હતાં. તુર્કીનો એવો આરોપ છે કે સાઉદી અરબના શહેજાદા મોહમ્મદ બિન સલમાનના નીકટના લોકોમાંથી એક સભ્ય સહિત સાઉદી અરબથી હત્યારાઓના એક સમૂહે પત્રકારની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના પર ઢાંકપીછોડ કરવાની કોશિશ કરી.