ઝી ન્યૂઝ/જાપાન: આમ જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં કેટલો દારૂ પીવાય છે. ગુજરાતીઓ તહેવારો કે પછી વિકેન્ડમાં મઝા માણવા માટે આબુ કે પછી દીવ દમણ ઉપડી જાય છે. પરંતુ તમે વિચારો કે સરકાર સામેથી લોકોને દારૂ પીવા માટે પ્રોત્સાહન આપે તો? ગુજરાતમાં દારૂના રસિયાઓને બાકી જલસા પડી જાય. પરંતુ આ બધુ ગુજરાતમાં થવું એક સપનું માત્ર છે. પરંતુ વિશ્વમાં એક એવો પણ દેશ છે જ્યાં જનતાઓ દારૂ પીવાનો ઓછો કરી નાંખતા દેશને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે આ દેશની સરકારે દેશવ્યાપી સ્પર્ધા શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ પડતા દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે લગભગ દરેક વ્યક્તિ જાણે છે. સામાન્ય રીતે મોટા ભાગના દેશોમાં સરકાર લોકોને વધુ પડતો દારૂ ન પીવા અંગે જાગૃત પણ કરે છે, પરંતુ એક દેશ એવો પણ છે જે દારૂનું સેવન ઘટવાથી પરેશાન છે. દારૂના વપરાશમાં ઘટાડો થવાને કારણે આવકમાં ઘટાડો થયો છે, તેથી ત્યાંની સરકારની ચિંતા વધી ગઈ છે. તે લોકોને વધુને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે સરકારે દેશવ્યાપી સ્પર્ધા પણ શરૂ કરી છે. આ દેશ બીજું કોઈ નહીં પણ જાપાન છે. ચાલો સમજીએ, શું છે આખો મામલો.


9 સપ્ટેમ્બર સુધી ચાલશે પીવાની સ્પર્ધા 
રિપોર્ટ અનુસાર, લોકોને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરવા માટે જાપાન સરકાર 'ધ સેક વિવા' કેમ્પેઈન' નામનું અભિયાન ચલાવી રહી છે. આ એક પ્રતિયોગિતા છે જેમાં લોકોને વધુ પીવા માટે કહેવામાં આવે છે. નેશનલ ટેક્સ એજન્સી (NTA) દ્વારા ચલાવવામાં આવતી આ પ્રતિયોગિતામાં 20-39 વર્ષની વયના લોકોને દારૂની લોકપ્રિયતા પુનઃજીવિત કરવામાં મદદ કરવા માટે દરખાસ્તો સાથે આવવાનું કહેવામાં આવે છે. આ સ્પર્ધા 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આમાં માત્ર નવી પ્રોડક્ટ જ નહીં પરંતુ જૂની પ્રોડક્ટનો પણ ઉપયોગ વધારવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ઘરમાં પીવાના ચલણને પુનર્જીવિત કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ બધાને પ્રોત્સાહન આપવા માટે સહભાગીઓ પાસેથી નવા વિકલ્પો પૂછવામાં આવે છે.


ઉપયોગ સાથે આવકમાં ઘટાડો
NTAએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વર્ષ 1995માં જાપાનમાં દારૂનો ઉપયોગ દર વર્ષે 100 લિટર હતો. 2020માં તે ઘટીને 75 લિટર થઈ ગયો છે. દારૂના વેચાણમાં થયેલા ઘટાડાથી જાપાનના બજેટને ફટકો પડ્યો છે, જે પહેલેથી જ 290 બિલિયન પાઉન્ડની ખાધમાં છે. જો આપણે રેવન્યુની વાત કરીએ તો 1980માં જાપાન સરકારને દારૂમાંથી 5 ટકા જેટલી આવક મળતી હતી, 2011માં તે 3 ટકા હતી, જ્યારે 2020માં તે ઘટીને 1.7 ટકા થઈ ગઈ હતી. 2020 ના નાણાકીય વર્ષમાં જાપાન સરકારને 1980 ની સરખામણીમાં દારૂ પરના કરમાંથી 110 બિલિયન પાઉન્ડથી વધુની આવકનું નુકસાન થયું હતું. ગયા વર્ષે NTAએ ઓગસ્ટની શરૂઆતમાં કહ્યું હતું કે 31 વર્ષમાં આલ્કોહોલ ટેક્સની આવકમાં તે સૌથી મોટો ઘટાડો છે.


કોરોના પછી સ્થિતિ કથળી
એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, કોવિડ 19 મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. મોટાભાગના લોકો ઓફિસ સમાપ્ત થયા પછી સહકર્મીઓ સાથે દારૂ પીતા હતા, જે હવે બંધ થઈ ગયું છે. માત્ર દારૂ જ નહીં, અહીં બિયર પણ છે. બીયરનું વેચાણ 20% ઘટીને 1.8 બિલિયન લિટર કરતાં પણ ઓછું થવા સાથે વપરાશમાં પણ ખાસ કરીને તીવ્ર ઘટાડો થયો છે.


10 નવેમ્બરે ફાઇનલિસ્ટને મળશે સન્માન
કિરીન બ્રેવરી, જે કિરિન લેગર અને ઇચિબન શિબોરી બનાવે છે. તેમણે જણાવ્યું કે, જાપાનમાં વર્ષ 2020માં પ્રતિ વ્યક્તિ બીયરનો ઉપયોગ 55 બોટલ હતો. ગયા વર્ષે એટલે કે 2021માં આ ડેટામાં 9.1%નો ઘટાડો થયો હતો. જાપાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ અભિયાન લોકોને માત્ર મર્યાદિત માત્રામાં દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરશે. તમને જણાવી દઈએ કે આ સ્પર્ધાના ફાઇનલિસ્ટને 10 નવેમ્બરના રોજ ટોક્યોમાં આયોજિત ગાલા એવોર્ડ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે અને ટેક્સ ઓફિસે કહ્યું કે તે વિજેતાના વિચારો દ્વારા વ્યાપારીકરણને ટેકો આપવા અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube