ટોક્યો: જાપાનમાં મંગળવારે 25 વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન આવ્યું. દેશમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અત્યાર સુધી 8 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. ઝડપી પવને મકાનની છતોને ઉડાવી દીધી, પૂલો પર ઊભેલા ટ્રક પલટી ગયા અને ઓસાકા ખાડીમાં ઊભેલા ટેન્કર જહાજને પણ પોતાની સાથે ઉડાવીને લેતી ગઈ.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેન્કર એક પૂલ સાથે ટકરાયું અને પૂલને નુકસાન પહોંચ્યું જેના કારણે કંસાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુખ્ય દ્વીપથી કટ થઈ ગયો. આ જ કારણે લગભગ 3000 લોકો ફસાઈ ગયા છે. એરપોર્ટના અધિકારીઓનું કહેવું છે કે પુલને પહોંચેલા નુકસાનનું આકલન થઈ રહ્યું છે. જો કે તેમણે એ ન  જણાવ્યું કે મુસાફરો ક્યારે પોતાના ગંતવ્ય સ્થળે જઈ શકશે. 



જોરદાર પવન અને ઊંચી લહેરોના કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું અને અનેક ફ્લાઈટ રદ કરવી પડી. પશ્ચિમ જાપાનમાં બપોરે 216 કિમી પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડું જેબી ફૂંકાયું. આ વિસ્તાર ચાલુ વર્ષે ઉનાળામાં થયેલા ભારે વરસાદમાંથી તો હજુ બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યો હતો. 



જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ લોકોને જેમ બને તેમ જલદી જગ્યા ખાલી કરવા માટે અપીલ કરી અને પોતાની સરકારને રહીશોને બચાવવા માટે તમામ આવશ્યક ઉપાયો કરવાના નિર્દેશ આપ્યાં. હવામાન ખાતાના પ્રમુખ અનુમાનકર્તા રયુતા કુરોરાએ જણાવ્યું કે જેબી પોતાના કેન્દ્રથી 162 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉઠી શકે છે. તે 1993 બાદ આવેલું સૌથી ભીષણ તોફાન છે.