Kabul Blast: કાબુલની મસ્જિદમાં નમાઝ દરમિયાન ધમાકો, 21 લોકોના મોત, 60ને ઈજા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં થયેલા એક બોમ્બ ધમાકામાં 21 લોકોના મોત થયા છે તો 60 લોકોને ઈજા પહોંચી છે. આ બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે લોકો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યાં હતા.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની એક મસ્જિદમાં થયેલા ધમાકામાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થઈ ગયા છે અને 60 લોકોને ઈજા પહોંચી છે. ખૈર ખાના વિસ્તારની મસ્જિદમાં તે સમયે ધમાકો થયો જ્યારે લોકો મગરિબની નમાઝ અદા કરી રહ્યાં હતા. કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝાદરાને ધમાકાની પુષ્ટિ કરતા જણાવ્યું કે કાબુલના પીડી 17માં એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સુરક્ષા દળ પહોંચી ચુક્યા છે અને બધા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ધમાકામાં મસ્જિદના ઇમામ મવાલવી અમીર મોહમ્મહ કાબુલીનું પણ મોત થયું છે.
21 લોકોના મોત
તાલિબાનની પોલીસે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વિશે કંઈ માહિતી આપી નથી. તાલિબાનના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. તો અલ ઝઝીરાએ એક અજાણ્યા અધિકારીના હવાલાથી જણાવ્યું કે મૃત્યુ પામનારની સંખ્યા 21 છે અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધારો હોઈ શકે છે. નમાઝના સમયે મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં હાજર હતા.
મૃત્યુ પામનારમાં મસ્જિદના ઇમામ પણ સામેલ
સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં મસ્જિદના ઈમામ પણ સામેલ છે અને મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે. ગુપ્તચર ટીમો ઘટના સ્થળે હાજર છે અને તપાસ કરી રહી છે. તાલિબાન સરકારના અન્ય અધિકારીઓએ જાનહાનીની સંખ્યાની પુષ્ટિ કરવા માટે કોઈ જવાબ આપ્યો નહીં. તાલિબાનના અધિકારી શરૂઆતથી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની હાજરીની વાત નકારી રહ્યાં છે. તેમ છતાં સીરિયા અને ઇરાકમાં પેદા થયેલ આ ખૂંખાર આતંકી સમૂહ અફઘાનિસ્તાનમાં સતત પોતાની જગ્યા બનાવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube