નવી દિલ્હીઃ ગુરૂવારે ભારતે પાકિસ્તાન પર કરતારપુર કોરિડોરને રાજકીય મુદ્દો બનાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સામે પક્ષે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પણ જણાવ્યું છે કે, તેમના દ્વારા કરતારપુર સરહદને ખુલ્લી મુકવાના ઈરાદાને ભારતે 'રાજકીય રંગ' આપી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, 'એક ધાર્મિક બાબતને રાજકીય સ્વરૂપ આપી દેવાયું છે. ભારત આ બાબતને શીખ સમુદાયની લાંબા સમયની પુરી થઈ રહેલી માગણી તરીકે જૂઓ છે.'


ભારતના વિદેશ બાબતોના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, "અમે કરતારપુર કોરિડોરને શીખ સમુદાય દ્વારા કરવામાં આવતી માગણીને પૂર્ણ થતી જોઈ રહ્યા છીએ. આ એક કમનસીબ બાબત છે કે પાકિસ્તાને એક ધાર્મિક બાબતને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે."


વિદેશ બાબતોના પ્રવક્તા રવિશકુમારે વધુમાં જણાવ્યું કે, "અમને આશા છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોર બાબતે તેણે આપેલા વચન પુરા કરશે."


આ દરમિયાન ગુરૂવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને જવાબ આપતા જણાવ્યું કે, "ભારતે પાકિસ્તાન દ્વારા સરહદ ખુલ્લી કરવાના ઈરાદાને 'રાજકીય રંગ' આપવામાં આવી રહ્યો છે અને આ એક 'દુર્ભાગ્યપુર્ણ' બાબત છે."


પાકિસ્તાને નવેમ્બર મહિનામાં કરતારપુર સરહદને ખુલ્લી મુકી હતી, જેથી ભારતના શીખ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારાની વગર વિઝાએ મુલાકાત લઈ શકે. અહીં શીખ સમુદાયના ચોથા સ્થાપક ગુરુ નાનક દેવે તેમની જિંદગીના 18 વર્ષ પસાર કર્યા હતા. 


ઈમરાન ખાને તેમની કેબિનેટને સંબોધતા જણાવ્યું કે, "કમનસીબે ભારતે આ બાબતને એક રાજકીય ફાયદા તરીકે જોઈએ છે. મારા શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવેલા સિદ્ધુએ પણ આ મુદ્દે મારી સાથે ચર્ચા કરી હતી. ભારતીય મીડિયાએ કરતારપુર બોર્ડરને ખુલ્લી મુકવાની ઘટનાને રાજકીય રંગ આપી દીધો છે, જાણે કે આપણે આ કામ કરીને કોઈ પ્રકારનો રાજકીય ફાયદો લેવા માગતા હોઈએ. આ સાચું નથી. આપણે આ કાર્ય પાકિસ્તાનની તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના મેનિફેસ્ટોના ભાગરૂપે કર્યું હતું."


ઉલ્લેખનીય છે કે, 28 નવેમ્બરના રોજ પાકિસ્તાનની બોર્ડર પર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે ભારતના ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનક સાહિબ સાથે સીધો જોડાય છે. આ કાર્યક્રમમાં ભારતના કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ, હરદીપ પુરી અને કોંગ્રેસ પક્ષના નેતા નવજોત સિંઘ સિદ્ધુ પણ હાજર રહ્યા હતા.