Kenya Anti Tax Protests Turn Vuiolent: કેન્યામાં રસ્તાથી લઈને સંસદ સુધી હંગામો થઈ રહ્યો છે. સ્થિતિ એ હદે ખરાબ થઈ ગઈ છે કે પ્રદર્શનમાં 5 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ સંસદને પણ આગના હવાલે કરી દીધી. આ હિંસક વિરોધ સાંસદો દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલા નવા ટેક્સ બિલને લઈને છે. જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ પર ભારે ભરખમ ટેક્સ લગાવ્યો છે. જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો અને તેમણે સરકાર સામે પોતાનો વિરોધ આક્રમક રીતે દર્શાવ્યો.. કેન્યામાં કેવી છે સ્થિતિ? કઈ વસ્તુ પર કેટલો ટેક્સ લગાવ્યો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા....
ઠેર-ઠેર તોડ-ફોડ અને આગના દ્રશ્યો....
દેશની સંસદ પણ વિરોધની ઝપેટમાં આવી ગઈ...
જ્યાં જુઓ ત્યાં બસ અફરાતફરીનો જ માહોલ છે.... 


કેન્યામાં ટેક્સના વિરોધના મામલે જે રીતે વિરોધ થઈ રહ્યો છે તે અતિ ભયાનક  અને ડરામણો છે. રસ્તાથી શરૂ થયેલો આ વિદ્રોહ હવે સંસદ સુધી પહોંચી ગયો છે. પ્રદર્શનકારીઓ કેન્યાની સંસદમાં ઘૂસી ગયા અને સંસદને આગના હવાલે કરી દીધી. ત્યાં સુધી કે પ્રદર્શનકારીઓ કેન્યાના સ્પીકરની ખુરશી સુધી પહોંચી ગયા અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગણી કરવા લાગ્યા.


જનતાનો આક્રોશ એવો ફાટી નીકળ્યો કે સંસદની અંદર બધું તહેસનહેસ થઈ ગયું. ત્યારે તમારા મનમાં એમ થતું હશે કે હજારો લોકો કેમ રસ્તા પર ઉતરી આવ્યા. તો તેની પાછળ કેન્યાની સરકારનું નવું બિલ છે.


કેન્યાની સરકારે બ્રેડ, કેન્સર ટ્રીટમેન્ટ, કુકિંગ ઓઈલ, બાળકોના ડાયપર ,સેનેટરી પેડ, મોટરકાર, સોલાર ઉપકરણથી સંચાલિત સાધનો, ડિજિટલ સર્વિસ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સમાં ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં બ્રેડ પર 16 ટકા ટેક્સ, કુકિંગ ઓઈલ પર 25 ટકા ટેક્સ, મોટરકાર પર 2.5 ટકા ટેક્સ અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં 3 ટકાના વધારાનો પ્રસ્તાવ છે...


જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ટેક્સના વધારાની ભલામણને પગલે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કેન્યામાં સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલાંક લોકો દુકાનોમાંથી ચોરી અને લૂંટફાટ કરવા લાગ્યા છે. અત્યાર સુધી હિંસક પ્રદર્શનાં 5 લોકોનાં મોત થઈ ચૂક્યા છે તો દેશના રાષ્ટ્રપતિ આ વિરોધને નેશનલ સિક્યોરિટી માટે મોટો ખતરો ગણાવી રહ્યા છે...


આજે કેન્યાએ પોતાના લોકતંત્ર, કાયદાના શાસન અને પોતાના બંધારણીય સંસ્થાનોની અખંડતા પર એક અભૂતપૂર્વ હુમલાનો અનુભવ કર્યો. કાયદાનું પાલન કરનારા કેન્યાના લોકોમાં આજે કેટલાંક સંગઠિત ગુનેગારો સામેલ થઈ ગયા છે.


રસ્તા પર ઉતરેલા લોકો હાલ રાષ્ટ્રપતિના રાજીનામાની માગણી કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિએ ચૂંટણી પહેલાં લોકોને રાહત આપવાની વાત કરી હતી પરંતુ સરકારમાં આવ્યા પછી ભારે ભરખમ ટેક્સ નાંખી દીધો. હાલ તો કેન્યા વિરોધની આગમાં સળગી રહ્યું છે ત્યારે એ જોવાનું રહેશે કે લોકોનો રોષ શાંત કરવા માટે સરકાર શું પગલાં ઉઠાવે છે.