કુલભૂષણ કેસ: આ વકીલે રજુ કર્યો હતો ICJમાં ભારતનો મજબુત પક્ષ, ફી લીધી માત્ર 1 રૂપિયો
કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતનો પક્ષ દેશના અત્યંત જાણીતા વકીલ હરીશ સાલ્વેએ રજુ કર્યો હતો. દેશના જાણીતા અને મોંઘા વકીલોમાં જેમની ગણના થાય છે તે હરિશ સાલ્વેએ આ કેસ માટે માત્ર એક રૂપિયો ફી લીધી હતી.
નવી દિલ્હી: કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતનો પક્ષ દેશના અત્યંત જાણીતા વકીલ હરીશ સાલ્વેએ રજુ કર્યો હતો. દેશના જાણીતા અને મોંઘા વકીલોમાં જેમની ગણના થાય છે તે હરિશ સાલ્વેએ આ કેસ માટે માત્ર એક રૂપિયો ફી લીધી હતી. તત્કાલિન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે 15મી મે 2017ના રોજ એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે હરીશ સાલ્વેએ જાધવનો કેસ લડવા માટે માત્ર એક રૂપિયો લીધો છે. હરીશ સાલ્વેની દમદાર દલીલોના કારણે જ ભારતને જાધવની ફાંસી રોકવામાં સફળતા મળી. જ્યારે પાકિસ્તાને જાધવને જાસૂસ સાબિત કરવા માટે પોતાના વકીલ પર 20 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યાં.
સાલ્વેએ પોતાના તર્કથી પાકિસ્તાનને જૂઠ્ઠો સાબિત કર્યો
સાલ્વેએ ICJમાં પાકિસ્તાનના છોતરા ઉખાડવા માટે જાધવ કેસનો પાયો જ વિયેના સંધિના ભંગ પર મૂક્યો. સાલ્વેએ પોતાના તર્કોથી સાબિત કર્યું કે પાકિસ્તાને જાધવને કોન્સ્યુલર એક્સેસ ન આપીને વિયેના સંધિનો ભંગ કર્યો છે. આ સાથે તેઓ ભારતીય નાગરિકની ફાંસીની સજા અટકાવવામાં પણ સફળ રહ્યાં. સાલ્વે પોતાના તર્કોથી જાધવને ભારતીય નાગરિક સાબિત કરવામાં પણ સફળ રહ્યાં. સાલ્વેના તર્કની સામે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી સાવ પોકળ સાબિત થયા. સાલ્વેની દલીલોના કારણે જ ICJએ 15-1થી ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કરવા માટે અનેક તર્ક રજુ કર્યાં અને કહ્યું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અને મૂળભૂત કાયદાઓના લીરે લીરા ઉડાવ્યાં.
દેશના સૌથી મોંઘા વકીલોમાં સામેલ છે સાલ્વે
નોંધનીય છે કે નેધરલેન્ડના હેગ સ્થિત ICJમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ દલીલો રજુ કરી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ છે અને તેમની ગણતરી દેશના સૌથી મોંઘા વકીલોમાં થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમની એક દિવસની ફી 30 લાખ રૂપિયા છે પરંતુ જાધવનો કેસ તેમણે માત્ર એક રૂપિયામાં લડ્યો. તેઓ 1999થી 2002 સુધી દેશના સોલિસિટર જનરલ રહ્યાં.
જુઓ LIVE TV