કેરળના વાયનાડનો રહીશ 37 વર્ષનો રિંસન જોસ હવે જો કે નોર્વેનો નાગરિક છે. પરંતુ લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ  બાદ નોર્વે, બલ્ગેરિયા અને લેબનોનની પોલીસ તેની શોધમાં છે. રિપોર્ટ્સમાં કહેવાયું છે કે બલ્ગેરિયાના સોફિયા સ્થિત નોર્ટા ગ્લોબલ લિમિટેડે હિજબુલ્લાહને પેજર વેચ્યા હતા, આ જ પેજર્સમાં 17 સપ્ટેમ્બરે એક સાથે બ્લાસ્ટ થયા હતા. બલ્ગેરિયાની સ્ટેટ સિક્યુરિટી એજન્સીએ ગુરુવારે કહ્યું કે લેબનોનના પેજર બ્લાસ્ટમાં તે બલ્ગેરિયામાં રજિસ્ટર્ડ અનામ કંપનીની ભૂમિકા વિશે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીએસ ન્યૂઝે દસ્તાવેજોની તપાસ બાદ કહ્યું કે નોર્ટા ગ્લોબલ લિમિટેડને એપ્રિલ 2022માં બલ્ગેરિયામાં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી અને આ કંપનીનો એકમાત્ર માલિક રિંસન જોસ છે જે નોર્વેનો માલિક છે. ઓનમનોરમાએ નોર્વેમાં રહેલા પોતાના સૂત્રોના હવાલે લખ્યું છે કે રિંસન જોસ પહેલા કન્સલ્ટન્સી ફર્મ ચલાવતો હતો અને મલિયાલી કોમ્યુનિટીમાં ખુબ એક્ટિવ હતો. તે તહેવારોના આયોજન અને ફૂટબોલ ક્લબને લઈને ખુબ સક્રિય હતો. 


ડીએન મીડિયા માટે કામ
રિંસનની લિંક્ડઈન પ્રોફાઈલથી ખબર પડે છે કે માર્ચ 2022થી તે ડીએન મીડિયા ગ્રુપ માટે કામ કરે છે. પ્રોફાઈલમાં તેણે પોતાની જાતને નોર્ટા લિંક ચલાવતા આંતરપ્રિન્યોર ગણાવ્યા છે. જે આઈટી સર્વિસિઝ, કન્સલ્ટિંગ અને રિક્રુટમેન્ટના સેક્ટરમાં કામ કરે છે. રિંસન જોસે પોંડિચેરી યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે અને ઈન્ટરનેશનલ સોશિયલ વેલફેરમાં માસ્ટર્સની ડિગ્રી પણ તેમની પાસે છે. 


રિપોર્ટ્સ મુજબ નોર્ટા ગ્લોબલ લિમિટેડને નોર્ટા લિંકની શેલ કંપની ગણવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ રિંસન જોસ હાલ અમેરિકામાં હોવાની અટકળો થઈ રહી છે. 


14.9 કરોડનું ટ્રાન્ઝેક્શન
એલબીસી ઈન્ટરનેશનલે કહ્યું કે 1.6 મિલિયન યુરો (14.9 કરોડ) નોર્ટા ગ્લોબલ દ્વારા બલ્ગેરિયા ટ્રાન્સફર કરાયા છે અને ત્યારબાદ હંગરી મોકલવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે કંપનીનું મુખ્ય કામ ફાઈનાન્શિયલ હતું, ઓપરેશનલ નહી. બલ્ગેરિયા સ્ટેટ એજન્સીએ એવો પણ દાવો કર્યો કે પેજર્સનું ખરીદ વેચાણ બલ્ગેરિયાથી થયું નથી. 


વાયનાડના ડેપ્યુટી એસપી સ્પેશિયલ બ્રાન્ચે કહ્યું કે મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા બાદ તેમણે રિંસન જોસ વિશે જાણકારી ભેગી કરવાની શરૂ કરી દીધી છે. જો કે વાયનાડમાં રહેતા રિંસનના પરિવારને લેબનોન પેજર બ્લાસ્ટમાં તેમની કથિત સંડોવણી વિશે કોઈ ખાસ જાણકારી નથી. પોલીસ રિંસનના ઘરે પહોંચી છે પરંતુ તેમના પરિવારની પૂછપરછ કરી નથી. પોલીસે ઘરની મુલાકાત લીધી અને પરિવારની નાણાકીય સ્થિતિ વિશે જાણકારી લીધી. 


એક દાયકાથી નોર્વેમાં છે
રિપોર્ટ્સ મુજબ રિંસન છેલ્લા એક દાયકાથી નોર્વેમાં છે. જો કે પરિવારને તેની કંપની કે બિઝનેસ વિશે ખબર નથી. રિંસનના પિતા જોસ મૂથેદમ મન્નથવાડીમાં ટેલરનું કામ કરે છે, રિંસનના નોર્વે ગયા બાદ પણ જોસ પોતાની દરજીની દુકાન ચલાવે છે. સ્થાનિક લોકો તેમને ટેલર જોસના નામથી જાણે છે. 


ગયા નવેમ્બરમાં આવ્યો હતો જોસ
રિંસન જોસ ગત નવેમ્બરમાં માતા પિતાને મળવા માટે આવ્યો હતો. થોડો સમય રહ્યા બાદ તે જાન્યુઆરીમાં પાછો ફર્યો હતો. એમબીએનો અભ્યાસ કર્યા બાદ રિંસન કેરટેકરનું કામ કરવા માટે નોર્વે ગયો હતો અને ત્યારબાદ બિઝનેસ કંપનીઓમાં કામ કરવા લાગ્યો. રિંસનના અંકલ થંકાચને  કહ્યું કે તે દરરોજ પરિવારને ફોન કરતો હતો. જો કે શુક્રવારે અમે તેને ફોન કરવાની કોશિશ કરી, પરંતુ સંપર્ક થયો નહીં. 


રિંસનનો જોડકો ભાઈ જિંસન અમેરિકામાં કામ કરે છે અને તેની બહેન આયર્લેન્ડમાં છે. લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટમાં ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદનો હાથ હોવાનું કહેવાય છે. પેજર બ્લાસ્ટમાં 30થી વધુ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 2800થી વધુ લોકો ઘાયલ થયા છે.