અબજોપતિ બિઝનેસમેન અને ઈલેક્ટ્રિક કારના નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છા પાઠવી છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ શુભેચ્છા, મારી કંપની ભારતમાં કામ કરવા અંગે ઈચ્છુક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ શુક્રવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેઓ રવિવારે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએએ 543 લોકસભા સીટોમાંથી 292 સીટો જીતી છે. 



અત્રે જણાવવાનું કે ચૂંટણી પહેલા એલન મસ્કે ભારત વિઝિટ અંગે જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ કોઈ કારણસર પ્રવાસ ટાળ્યો હતો. ગત વર્ષે જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાં એલન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મસ્કે પોતાને મોદીના ફેન ગણાવતા કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. જ્યારે ટેસ્લા કંપની તરફથી ગયા વર્ષે જુલાઈમાં કહેવાયું હતું કે તે 24000 ડોલરની કિંમતવાળી ઈવીના ઉત્પાદન માટે ભારતમાં એક કારખાનું ખોલવામાં રસ ધરાવે છે. 


એલન મસ્કે સૌથી પહેલા વર્ષ 2019ની શરૂઆતમાં જ ભારતમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. જો કે તેમણે હાઈ ઈમ્પોર્ટ ટેક્સ અંગે આપત્તિ જતાવી હતી. પરંતુ ભારત સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવશે તો પછી છૂટછાટ વિશે વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીન નિર્મિત કારોને વેચવાની મંજૂરી આપી નથી. સરકારે એલન મસ્કની કંપનીને દેશમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવાનું કહ્યું હતું જેથી કરીને ડોમેસ્ટિક સેલ અને એક્સપોર્ટ માટે પ્રોડક્શન થઈ શકે.