માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગણતંત્ર દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. તેમણે બંને દેશો વચ્ચે સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો. મુઈજ્જુએ કહ્યું કે માલદીવ અને ભારતની મિત્રતા વર્ષો જૂની છે. તેમણે કહ્યું કે બંને દેશ એકબીજા માટે મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે ભારત માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસલમાં આ નિવેદનને માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે બહાર પાડ્યું છે. મુઈજ્જુએ ભારતને ગણતંત્ર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે બંને દેશો વચ્ચે સારા સંબંધો અને પરસ્પર સન્માનને રેખાંકિત કર્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો પર વિવાદ બાદ છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવના સંબંધોની ખટાશ ચરમસીમાએ છે. પરંતુ હવે આ તનાતની વચ્ચે રાષ્ટ્રપતિ મુઈજ્જુએ બંને દેશો વચ્ચે સંબંધોની દુહાઈ આપી છે. 


નોંધનીય છે કે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત વિરોધી નીતિઓના કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વણસી ગયા છે. મુઈજ્જુએ રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ભારત વિરોધી નારા લગાવ્યા હતા અને ઈન્ડિયા આઉટ કેમ્પેઈન શરૂ કર્યું હતું. તેનો હેતુ માલદીવમાંથી ભારતના પ્રભાવને ઓછો કરવાનો હતો. મુઈજ્જુની આ નીતિનો તેમને ચૂંટણીમાં ફાયદો પણ થયો અને ઈબ્રાહિમ સોલિહને હરાવી દીધા. સોલિહ ભારત સમર્થક ગણાતા હતા. 


મુઈજ્જુએ સરકાર બન્યા બાદ ભારત સાથેના અનેક કરાર રદ કર્યા છે અને ભારત સાથે મળીને થઈ રહેલા અનેક પ્રોજેક્ટ્સ અટકાવ્યા છે. તેમણે ચીન  સાથે ગાઢ સંબંધ બનાવવાની કોશિશ કરી છે. અત્રે જણાવવાનું કે બંને દેશોના આ તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચીનના પાંચ દિવસના પ્રવાસે પણ ગયા હતા. પાછા ફરીને સતત ભારત પર નિશાન સાધી રહ્યા હતા. હવે તેમણે ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે.