ગૂગલ મેપને ફોલો કરતો હતો માણસ તૂટેલા પુલ પરથી કાર લઈને નદીમાં પડ્યો, થઈ ગયું મોત
Google Maps : ગૂગલ મેપ્સને ફોલો કરનાર વ્યક્તિએ તૂટેલા બ્રિજ પર કાર ચલાવી હતી. ગૂગલ મેપ્સ વર્ષ 2020થી આ તૂટેલા પુલ અંગે ત્રણ વર્ષથી ખોટી માહિતી આપી રહ્યું છે. હવે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.
ન્યૂયોર્કઃ ગૂગલ મેપ્સ દ્વારા (Google Maps)ખોટી દિશા બતાવતા પુલ પરથી પડીને મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીએ હવે ગૂગલને કોર્ટમાં ખેંચી છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી એક મહિલાનો આરોપ છે કે તૂટેલા પુલ વિશે ગૂગલને વારંવાર જાણ કરવા છતાં કંપનીએ તે પુલને ગૂગલ મેપ્સ પર ટ્રાફિક માટે યોગ્ય જાહેર કર્યો હતો. ગૂગલ મેપ્સ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીને કારણે તેના પતિએ બ્રિજ પર કાર હંકારી હતી અને બ્રિજ તૂટી જવાને કારણે તે નીચે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
નોર્થ કેરોલિનામાં રહેતો ફિલિપ પેક્સન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. યુએસ નેવીમાંથી નિવૃત્ત થયેલા પેક્સન મેડિકલ સાધનો વેચતા હતા. તેમના મૃત્યુના લાંબા સમય પછી પણ, Google Mapsએ હજુ પણ તે તૂટેલા પુલ અંગેની માહિતી સુધારી નથી. તેનાથી નિરાશ થઈને તેની પત્ની એલિસિયાએ હવે ગૂગલ પર કેસ કર્યો છે.
આ પણ વાંચોઃ મર્દોને ટોર્ચર કરીને કરોડો કમાય છે આ મહિલા : કોરડા ખાવા તૈયાર છે પુરૂષો
ગૂગલ મેપ્સે જીવ લીધો
એલિસિયાએ જણાવ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેની પુત્રી અને તેના પતિના મિત્રની પુત્રીનો જન્મદિવસ હતો. બંને મિત્રોએ તેમની દીકરીનો જન્મદિવસ સાથે મનાવ્યો હતો. જન્મદિવસની પાર્ટી પૂરી થયા બાદ એલિસિયા બાળકો સાથે ઘરે આવી હતી. પૅક્સન અમુક કામમાં પાછળ રહી ગયો. તેઓ રાત્રે કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. રસ્તો સ્પષ્ટ દેખાતો ન હોવાથી તેણે ગૂગલ મેપ્સની મદદ લીધી. ગૂગલ મેપ્સ દ્વારા દર્શાવવામાં આવેલા રૂટમાં તૂટેલા પુલનો પણ સમાવેશ થાય છે. ગૂગલ મેપ્સે આ બ્રિજને ઓપરેશનલ બતાવ્યો હતો. ગૂગલ મેપ્સ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પેક્સને કારને બ્રિજ પર હંકારી હતી. પુલ તૂટવાને કારણે પેક્સન તેની કાર સાથે લગભગ 20 ફૂટ નીચે પાણીમાં પડી ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
ગૂગલે આ બાદ પણ ન લીધો સબક
એલિસિયાનો આરોપ છે કે આ પુલ વર્ષ 2020 થી તૂટી ગયો છે. ગૂગલ મેપ્સના ઘણા યુઝર્સે પણ આ અંગે ગૂગલને જાણ કરી છે. તેમ છતાં, ગૂગલ મેપ્સ ડ્રાઇવરોને આ બ્રિજ તરફ મોકલી રહ્યું છે. આ પુલ પર કોઈ બેરિકેડીંગ નથી. જેના કારણે અહીં હંમેશા અકસ્માત થવાની સંભાવના રહે છે. એલિસિયા કહે છે કે તેના પતિના મૃત્યુ પછી તેણે ગૂગલને આ ખતરનાક પુલ વિશે જણાવ્યું. પરંતુ કંપનીએ આ તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. તે જ સમયે, ગૂગલના પ્રવક્તાનું કહેવું છે કે અમને પેક્સન પરિવાર સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. અમારો હેતુ રૂટ વિશે સાચી માહિતી આપવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube