ભારતમાં રેમલ તો અમેરિકામાં ટોર્નેડોનો કહેર : 10 કરોડ લોકો પ્રભાવિત,18નાં મોત, 42ને ઈજા
ભારતમાં રેમલ વાવાઝોડું ત્રાટક્યું તો અમેરિકામાં ટોર્નેડોએ કાળો કહેર મચાવ્યો. અમેરિકાના ટેક્સાસ, ઓક્લાહોમા અને અરકાન્સસ રાજ્યમાં ટોર્નેડોએ ભારે વિનાશ વેર્યો. ત્રણેય રાજ્યોમાં અનેક બિલ્ડીંગ, વીજળીના થાંભલા, પવન ચક્કી, ગેસ લાઈન અને પેટ્રો સ્ટેશનને મોટું નુકસાન થયું. તો અનેક મકાનો હતા ન હતા થઈ ગયા ત્યારે અમેરિકામાં કેમ વારંવાર ટોર્નેડો આવે છે?... ટોર્નેડોએ અમેરિકામાં કેવી તારાજી સર્જી?. જોઈશું આ અહેવાલમાં....
વિશાળકાય પવન ચક્કી ધરાશાયી થઈ ...
લાકડાના મકાનોનો કાટમાળ ઉડવા લાગ્યો....
જ્યાં જુઓ ત્યાં બસ તબાહી જ તબાહી.....
આ દ્રશ્યો સર્વશક્તિમાન દેશ એવા અમેરિકાના છે. એકબાજુ ભારતમાં રવિવારની મોડી રાત્રે રેમલ નામનું વાવાઝોડું ત્રાટક્યું તો હજારો કિલોમીટર દૂર અમેરિકામાં વિનાશક ટોર્નેડો ફૂંકાયો. અમેરિકામાં એપ્રિલ મહિના બાદ મે મહિનામાં ફરી એકવાર ભયંકર ટોર્નેડો આવ્યો. જેના કારણે અનેક જગ્યાએ ભારે તોફાન જોવા મળ્યું. તો ક્યાંક અતિવૃષ્ટિ અને ક્યાંક ભારે પવન ફૂંકાયો. ટોર્નેડોએ કેવો કહેર મચાવ્યો તે પણ બતાવીશું પરંતુ તે પહેલાં નજર કરીએ કે કયા રાજ્યમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું...
ટેક્સાસ,ઓક્લાહોમા અને અરકાન્સસ રાજ્યમાં સૌથી વધુ અસર થઈ....
ટોર્નેડોના કારણે 10 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા...
ઈલિનોઈસ, કેન્ટુકી, મિસૌરી, ટનેસી અને અરકાન્સસમાં સૌથી વધુ નુકસાન થયું...
40 લાખથી વધુ લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા....
18થી વધુ લોકોના મોત થયા,જ્યારે 42 લોકોને ઈજા થઈ છે....
ટેક્સાસમાં ટોર્નેડોના કારણે મકાનોની છત ઉડી ગઈ છે તો ક્યાંક આખે-આખા મકાન નષ્ટ થઈ ગયા છે. સતત એમ્બ્યુલન્સની સાઈરન વાગી રહી છે. ટોર્નેડો કેટલો શક્તિશાળી હોય છે તેનો પુરાવો આપી રહ્યા છે આ દ્રશ્યો... જેમાં જોઈ શકાય છે કે ટોર્નેડોની ઝપેટમાં આવી જતાં હજારો ટન ધરાવતી પવન ચક્કી ધરાશાઈ થઈ જાય છે અને તેના પાંખિયાઓનું તો નામોનિશાન જોવા મળતું નથી.
આ દ્રશ્યો વાવાઝોડાની ભયાનકતા પૂરવાર કરી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાંક લોકો પોતાની દુકાન કે મોલમાં હોય છે. તે દરમિયાન અચાનક અંધારપટ છવાઈ જાય છે અને પછી ટોર્નેડોના કારણે તમામ સામાન પત્તાની જેમ ઉડવા લાગે છે. પરિણામે દુકાનની અંદર રહેલા લોકો પોતાની જાતને બચાવવા માટે ચીસો પાડી રહ્યા છે. ગણ્યા ગાંઠ્યા મકાનને બાદ કરતાં તમામ મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે.. દૂર-દૂર સુધી જોવા મળતાં આ દ્રશ્યો ટોર્નેડો કેટલો વિનાશકારી હશે તેની સાક્ષી પૂરી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં બસ તૂટેલા મકાનનો કાટમાળ જ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં ટોર્નેડોની સાથે સાથે કેટલાંક રાજ્યોમાં બેઝબોલ જેવા બરફના કરા પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આકાશમાંથી એકાએક બરફના કરા પડવા લાગે છે. જોકે તેની સાઈઝ સામાન્ય કરા કરતાં મોટી હોવાથી લોકોમાં ભયના માહોલ જોવા મળ્યો. મે મહિના પહેલાં એપ્રિલ મહિનામાં પણ ટોર્નેડોએ ઓક્લાહોમામાં ભારે વિનાશ વેર્યો હતો ત્યારે મે મહિનામાં ફરી એકવાર ટોર્નેડોએ 3 રાજ્યોમાં મોટુ નુકસાન કર્યુ છે. તેને જોતાં આ અંગે સરકારે ચોક્કસ કંઈક વિચારવું પડશે. નહીં તો આવી રીતે ટોર્નેડો આવતાં રહેશે અને લોકો તેનાથી પાયમાલ થતાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube