#Me Too : મેલેનિયા ટ્રમ્પે કહ્યું, `પુરુષો પર આરોપ લગાવનારી મહિલાઓએ પુરાવો આપવો જોઈએ`
મેલેનિયા ટ્રમ્પે જણાવ્યું કે, આવા આરોપો જ્યારે લગાવવામાં આવે છે ત્યારે `નક્કર પુરાવા`ની જરૂર હોય છે અને આરોપ લગાવનારાઓએ `પુરાવા` રજૂ કરવા જોઈએ
વોશિંગટનઃ #Me Too અભિયાનમાં અમેરિકાના પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ પણ જોડાયાં છે. તેમણે જણાવ્યું કે, જાતીય શોષણનો આરોપ લગાવનારી મહિલાઓની વાત 'સાંભળવી' જોઈએ અને તેમને સમર્થન આપવાની પણ જરૂર છે. જોકે, સાથે જ પુરુષોને પણ આ તક મળવી જોઈએ કે તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે.
તેમણે જણાવ્યું કે, આવા આરોપો જ્યારે લગાવવામાં આવે છે ત્યારે 'નક્કર પુરાવા'ની જરૂર હોય છે અને આરોપ લગાવનારાઓએ 'પુરાવા' રજૂ કરવા જોઈએ.
કેન્યા યાત્રા દરમિયાન 'એબીસી' એ મેલેનિયાનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ ઈન્ટરવ્યુ બુધવારે 'ગુડ મોર્નિંગ અમેરિકા' પર પ્રસારિત થયો હતો. આ દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે, શું તેઓ '#Me Too અભિયાન'નું સમર્થન કરે છે.
મેલેનિયાએ આ સવાલના જવાબમાં જણાવ્યું કે, "હું એ મહિલાઓનું સમર્થન કરું છું અને તેમની વાત સાંભળવી જોઈએ. આપણે તેમનું સમર્થન કરવું જોઈએ. માત્ર મહિલાઓનું જ નહીં પરંતુ પુરુષોને પણ પોતાની વાત રજૂ કરવાની તક મળવી જોઈએ."
પુરુષો માટે 'ભયાનક' સમય છે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર છેલ્લા વર્ષો દરમિયાન અનેક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ અંગે મેલેનિયાએ જણાવ્યું કે, અત્યારે પુરુષો માટે એક 'ભયાનક' સમય ચાલી રહ્યો છે, જ્યાં તેમના ઉપર વર્ષો જૂના આરોપો શોધી-શોધીને લગાવવામાં આવી રહ્યા છે. આ ટિપ્પણી તેમણે બ્રેડ કાવાનાહના સંદર્ભમાં કરી હતી.