નવી દિલ્હીઃ ભારતમાંથી ફરાર થઈ ગયેલા અને પંજાબ નેશનલ બેન્કનું કરોડોનું ફુલેકું ફેરવનારા મેહુલ ચોક્સીએ એન્ટિગુઆથી એક વીડિયો મેસેજ મોકલ્યો છે અને જણાવ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેના ઉપર જે 2 બિલિયન અમેરિકન ડોલરનો મનિ લોન્ડરિંગનો કેસ કરેલો છે તે ખોટો છે અને તમામ આરોપ પાયાવિહોણા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરવ મોદીના કાકા એવા મેહુલ ચોક્સીએ ગયા વર્ષે એન્ટીગુઆ અને બારબુડાની નાગરિક્તા લઈ લીધી હતી અને રાષ્ટ્રિયતાની તમામ પ્રક્રિયા પુરી કર્યા બાદ આ વર્ષે 15 જાન્યુઆરીના રોજ તેણે એ દેશમાં નાગરિક્તાના શપથ લીધા હતા. 


સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા બહાર પડાયેલા વીડિયોમાં ચોક્સી વધુમાં જણાવે છે કે, તેનો પાસપોર્ટ રદ્દ શા માટે કરવામાં આવ્યો તેના અંગે તેણે સ્થાનિક પાસપોર્ટ અધિકારીઓ પાસે ખુલાસો માગ્યો છે, પરંતુ હજુ સુધી તેને જવાબ મળ્યો નથી. એએનઆઈ દ્વારા જે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા એ તમામની રજૂઆત મેહુલ ચોક્સીના એન્ટીગુઆના વકીલે કરી હતી. 


વીડિયોમાં મેહુલ ચોક્સી જણાવે છે કે, "પાસપોર્ટ અધિકારીઓએ મારો પાસપોર્ટ રદ્દ કરી નાખ્યોછે. 16 ફેબ્રુઆરીના રોજ મને પાસપોર્ટ ઓફિસમાંથી એક ઈમેલ મળ્યોહતો, જેમાં લખાયું હતું કે, ભારત તરફથી સુરક્ષાની મળી રહેલી ધમકીઓને પગલે તમારો પાસપોર્ટ રદ્દ કરી નખાયો છે. 20 ફેબ્રુઆરીના રોજ મેં મુંબઈની પાસપોર્ટ ઓફિસને ઈમેલ મોકલ્યો હતો કે તેમણે શા માટે મારો પાસપોર્ટ રદ્દ કર્યો છે. જોકે, હજુ સુધી મને તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી."



 


અધિકારીએ જણાવ્યું કે, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ ભેગા મળીને તેમની કંપની માટે વર્ષ 2011-17 દરમિયાન પંજાબ નેશનલ બેન્કની બ્રેડી હાઉસ ખાતેની શાખામાંથી 2 બિલિયન અમેરિકન ડોલર જેટલી રકમની લોન માટે 'લેટર ઓફ અંડરટેકિંગ' લીધા હતા. 


'લેટર ઓફ અંડરટેકિંગ' એ એક બેન્ક તરફથી આપવામાં આવતો પત્ર છે, જેમાં ભારતીય બેન્ક કે જેમની વિદેશમાં પણ શાખાઓ આવેલી હોય તેમને અરજીકર્તાને ટૂંકા ગાળાની ક્રેડિટ આપવા માટેની ખાતરી આપવામાં આવતી હોય છે. 



નિરવ મોદી અને તેની કંપનીએ પંજાબ નેશનલ બેન્કના નકલી એલઓયુના આધારે ભારતીય બેન્કોની વિદેશમાં રહેલી શાખાઓમાંથી લોન લીધી હતી અને પીએનબીની બ્રેડી હાઉસ શાખા તરફથી જે ક્રેડિટ માટેનાં પત્ર લખી આપવામાં આવ્યા હતા તે પણ પરત અપાયા ન હતા. 


વળી, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ તપાસ એજન્સીઓ સામે પુછપરછ માટે હાજર થવા માટે પાઠવવામાં આવેલા એક પણ સમન્સનો જવાબ આપ્યો ન હતો અને તપાસમાં અસહકાર આપ્યો હતો. 


મેહુલ ચોક્સીએ આ સાથે જ ઈન્ટરપોલને પણ તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર ન પાડવા અંગે જણાવ્યું હતું કે, તેની જિંદગીને જોખમ, આરોગ્ય, મીડિયા દ્વારા એકપક્ષીય વલણ અને જેલની ખરાબ સ્થિતિ જેવા કારણો દર્શાવ્યા હતા. 


હવે આ મુદ્દો ઈન્ટરપોલની પાંચ સભ્યોની સમિતિ સમક્ષ મુકવામાં આવ્યો છે, જે ચોક્સીની અરજી પર વિચાર કરશે અને ભારતીય તપાસ એજન્સીઓની દલીલો પણ સાંભળશે.