અફઘાનિસ્તાનમાં નવા મંત્રીમંડળની જાહેરાત, મુલ્લા હસન અખુંદ બન્યા દેશના પ્રધાનમંત્રી
અફઘાનિસ્તાનમાં 15 ઓગસ્ટે કબજો કર્યા બાદ તાલિબાને પોતાની કાર્યકારી સરકારની જાહેરાત કરી દીધી છે. મુલ્લા હસન અખુંદને દેશની કમાન સોંપવામાં આવી છે.
કાબુલઃ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આખરે તાલિબાને પોતાની નવી સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાને આપેલી માહિતી પ્રમાણે મુલ્લા હસન અખુંદને દેશના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. તો મુલ્લા બરાદરને ડેપ્યુટી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહીદે નવી સરકારની જાહેરાત કરી છે. નવી સરકારની જાહેરાત સાથે અફઘાનિસ્તાનમાં સત્તાવાર નવા ઇસ્લામી શાસનની શરૂઆત થઈ ગઈ છે. તાલિબાને પ્રધાનમંત્રી સાથે પોતાની સમગ્ર કેબિનેટની પણ જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યુ કે, આ કાર્યકારી સરકાર છે.
આવું છે મંત્રીમંડળ
મુલ્લાહ હસન અખુંદ કેબિનેટના હેડ હશે એટલે કે તાલિબાની સરકારમાં તે પ્રધાનમંત્રીનું પદ સંભાળશે. અબ્દુલ ગની બરાદર નાયબ પ્રધાનમંત્રી હશે. ખૈરઉલ્લાહ ખૈરખ્વાને સૂચના મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. અબ્દુલ હકીમને ન્યાય મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. શેર અબ્બાસ સ્ટાનિકઝઈને ડેપ્યુટી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો ઝબિઉલ્લાહ મુજાહિદને સૂચના મંત્રાલયમાં ડેપ્યુટી મંત્રીની કમાન સોંપવામાં આવી છે.
બે ડેપ્યુટી પીએમ હશે
નવી તાલિબાન સરકારમાં બે નાયબ પ્રધાનમંત્રી રહેશે. મુલ્લા બારાદાર ઉપરાંત મુલ્લા અબ્દુલ સલામ હાનફુ પણ નાયબ પ્રધાનમંત્રી રહેશે. ખૈરુલ્લાહ ખૈરખ્વા માહિતી મંત્રી, અબ્દુલ હકીમ ન્યાય મંત્રી, શેર અબ્બાસ સ્ટેનીકઝાઈ નાયબ વિદેશ મંત્રી, ઝબીઉલ્લાહ મુજાહિદ નાયબ મંત્રી, અમીર ખાન મુત્તકી વિદેશ બાબતોના મંત્રી, નાણા મંત્રી મુલ્લા હિદાયત બદરી રહેશે.
હૈબતુલ્લા અખુંજાદાએ નામનો રાખ્યો પ્રસ્તાવ
જાણકારી પ્રમાણે અમીરૂલ મોમિનીન શેખ શેખ હૈબતુલ્લા અખુંજાદાએ ખુદ મુલ્લા હસન અખુંદના નામ રઈસ-એ-જમ્હૂર કે રઈસ-ઉલ-વજાર માટે પ્રસ્તાવિત કર્યુ છે. તો મુલ્લા બરાદર અને મુલ્લા અબદુસ સલામ તેમના ડેપ્યુટી તરીકે કામ કરશે. શેખ હૈબતુલ્લા અખુંજાદા ખુદ અફઘાનના સુપ્રીમ લીડર હશે.
મુલ્લા હસન આશરે 20 વર્ષથી શેખ હૈબતુલ્લા અખુંજાદાના નજીકના રહ્યા છે. આ વફાદારીનું ઈનામ મળ્યું છે. તાલિબાનના અન્ય નેતા અનુસાર મુલ્લા હસન છેલ્લા 20 વર્ષથી રહબારી શૂરાના તમામ કામ જોઈ રહ્યા હતા.તેથી તાલિબાનના યુવકો તેનું ખુબ સન્માન કરે છે. જાણવા મળ્યું છે કે હાલ મુલ્લાહસનને તેના ચરિત્ર અને ભક્તિભાવ માટે ઓળખવામાં આવે છે. સાથે તે સૈન્ય પૃષ્ઠભૂમિથી નહીં ધાર્મિક નેતા તરીકે વધુ જાણીતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube