અત્યંત રહસ્યમય વાયરસ, દર્દી સતત ધ્રુજતા રહે છે, ડાન્સ કરે છે, ખાસ કરીને છોકરીઓ-મહિલાઓ આવે છે ઝપેટમાં!
અત્યારના સમયમાં એવા એવા વાયરસ જોવા મળી રહ્યા છે કે વાત ન પૂછો. કોરોનાએ હાહાકાર મચાવ્યો ત્યારબાદ હવે આ ડિંગા ડિંગા વાયરસે દહેશત પેદા કરી છે. જાણો તેના લક્ષણો....
પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં એક રહસ્યમય બીમારીએ લગભગ 300 લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. જેમાં મોટાભાગે મહિલાઓ અને છોકરીઓ સામેલ છે. IANS ના જણાવ્યાં મુજબ આ બીમારીમાં તાવ આવે છે અને શરીરમાં બેકાબૂ કંપન થાય છે. જેના કારણે હરવા ફરવામાં મુશ્કેલી થાય છે. ડિંગા ડિંગા નામના આ વાયરસથી સંક્રમિત લોકોમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. તેમાં તાવની સાથે સાથે શરીર ધ્રુજવું અને ખુબ નબળાઈ પણ સામેલ છે. ગંભીર કેસોમાં લકવો પણ થઈ શકે છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ સંક્રમિત લોકો માટે હરવું ફરવું મુશ્કેલ હોય છે. કારણ કે તેમનું શરીર બેકાબૂ રીતે ધ્રુજે છે. યુગાન્ડામાં સ્વાસ્થ્ય અધિકારી આ રહસ્યમયી બીમારી અને તેની પાછળના કારણોની તપાસ કરી રહ્યા છે. જો કે કોઈના મોતની જાણકારી સામે આવી નથી. પરંતુ સ્વાસ્થ્ય અધિકારી સમયસર મેડિકલ કેર લેવાની સલાહ આપે છે.
સાજા થવામાં અઠવાડિયા જેટલો સમય
હાલના સમયમાં તેની સારવાર માટે કોમ્યુનિટી હેલ્થ ટીમો દ્વારા એન્ટીબાયોટીક્સ આપવામાં આવે છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડો. કિયિતા ક્રિસ્ટોફરે જણાવ્યું કે આ બીમારીમાં દર્દી અઠવાડિયામાં સાજો થઈ જાય છે. તેમણે હર્બલ ઉપચારો પર નિર્ભરતાથી અંતર જાળવતા કહ્યું કે એ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે હર્બલ દવા આ બીમારીની સારવાર કરી શકે છે. અમે સ્પેસિફિક ટ્રિટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ અને હું સ્થાનિક લોકોને જિલ્લા સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા દેખભાળ કરવાની અપીલ કરું છું.
આ બીમારીને ફેલાતી રોકવા માટે સ્વાસ્થ્ય અધિકારી સારી રીતે સ્વચ્છતા જાળવવા, પ્રભાવિત વ્યક્તિઓના સંપર્કથી બચવા અને સ્થાનિક સ્વાસ્થ્ય ટીમોને તરત નવા કેસ રિપોર્ટ કરવાની સલાહ આપે છે. ડો. કિયિતાએ પુષ્ટિ કરી છે કે બુંદીબુગ્યોની બહાર કોઈ કેસ રિપોર્ટ થયો નથી. પ્રભાવિત વ્યક્તિઓના સેમ્પલ આગળની તપાસ માટે યુગાન્ડાના સ્વાસ્થ્ય મંત્રાલય મોકલવામાં આવ્યા છે. પરંતુ અધિકૃત ટ્રિટમેન્ટ હજુ પણ પેન્ડિંગ છે.
આ બીમારીની સરખામણી ઐતિહાસિક પ્રકોપો સાથે કરાઈ રહી છે. જેમ કે ફ્રાન્સમાં સ્ટ્રાસબર્ગમાં 1518નો ડાન્સિંગ પ્લેગ, જ્યાં લોકો અનેક દિવસ સુધી બેકાબૂ થઈને નાચતા હતા. જેમાં ક્યારેક તો થાકના કારણે તેમના મોત પણ થતા હતા.