પતિ કોમામાં છે એવું સમજી પત્નીએ ગંગાજળ છાંટીને એક વર્ષ સુધી લાશ ઘરમાં મુકી રાખી!
વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે.
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના રાવતપુર વિસ્તારમાં મૃત વ્યક્તિના પરિવારજનોએ તેની લાશને પોતાના ઘરમાં તે સમજીને રાખી કે તે કોમામાં છે અને જીવે છે. મૃતકની ઓળખ ઈન્કમટેક્સ વિભાગમાં કાર્યરત વિમલેશ દીક્ષિતના રૂપે સામે આવી. મૃતકની પત્નીને વિશ્વાસ હતો કે, તે કોમામા છે અને તે પતિની લાશનો દરરોજ ગંગાજળ છાંટતી હતી. ઘટનાની હકીકત ત્યારે સામે આવી જ્યારે પોલીસકર્મી અને મેજિસ્ટ્રેટ, આરોગ્ય અધિકારીઓ એકસાથે મામલાની તપાસ કરવા માટે વ્યક્તિના ઘરે પહોંચ્યા અને તેમને ત્યાં લાશ મળી. મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આલોક રંજને જણાવ્યું કે, વિમલેશ દીક્ષિતનું ગતા વર્ષે 22 એપ્રિલે મૃત્યુ થઈ ગયું હતું પરંતુ પરિવાર અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતું. કેમ કે, પરિવારજનોનું માનવું હતું કે, દીક્ષિત કોમામા છે.
આ સમગ્ર મામલે સીએમઓએ કહ્યું કે, જ્યારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે પરિવારના સભ્યોએ એ જ વાત પર ભાર આપ્યો કે, વિમલેશ જીવે છે અને કોમામા છે. ઘણું સમજાવ્યા પછી પરિવારજનોએ સ્વાસ્થ્ય ટીમને લાશ લાલા લજપત રાય હૉસ્પિટલમાં લઈ જવાની મંજૂરી આપી. જ્યાં તપાસ કરતાં તેમને વિમલેશને મૃત જાહેર કર્યો. સીએમઓએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવા અને જલદીથી રિપોર્ટ આપવા માટે ડૉ. એપી ગૌતમ, ડૉ. આસિફ અને ડૉ. અવિનાશની 3 સભ્યોની ટીમ બનાવી.
એક અધિકારીએ જણાવ્યું કે, વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે. અધિકારીએ કહ્યું કે, પરિવારે પોતાના પાડોશીઓને પણ જણાવ્યું હતું કે, વિમલેશ કોમામાં છે. પાડોશીમાંથી એકે પોલીસને જણાવ્યું કે, પરિવારના સભ્યો ઘણીવાર ઓક્સિજન સિલેન્ડર ઘરે લઈ જતા હતા. પોલીસે કહ્યું કે, લાશ એકદમ સડી ગઈ હતી. એક અધિકારીએ કહ્યું કે, દીક્ષિતની પત્ની માનસિક રીતે કમજોર હોય તેવું સામે આવ્યું છે. કાનપુર પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, ખાનગી હૉસ્પિટલે ડેથ સર્ટિફિકેટમાં કહ્યું હતું કે, વિમલેશ દીક્ષિતનું મૃત્યુ 22 એપ્રિલ 2021એ હાર્ટ એટેકના કારણે થયું હતું.