નેપાળને ભારતથી દૂર કરવા માટે ચીનનો નવો પેંતરો, કર્યો મહત્વનો કરાર
એશિયામાં સૌથી મોટી તાકાત બનવાની મથામણ કરી રહેલુ ચીન પાડોશી દેશ ખાસ કરીને ભારતની આસપાસના પાડોશી દેશોને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે.
નવી દિલ્હી: એશિયામાં સૌથી મોટી તાકાત બનવાની મથામણ કરી રહેલુ ચીન પાડોશી દેશ ખાસ કરીને ભારતની આસપાસના પાડોશી દેશોને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે. એક એક કરીને ભારતની આસપાસના દેશોને પોતાના પડખે સેરવી રહ્યું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મ્યાંમાર બાદ હવે નેપાળને લલચાવવા માટે તેણે મોટુ પગલું ભર્યુ છે. તેણે પોતાના ચાર પોર્ટને નેપાળ માટે ખોલ્યા છે. આ મોટા ઘટનાક્રમ હેઠળ ચીન અને નેપાળ વચ્ચે કાઠમંડૂમાં થયેલા એક મહત્વના કરાર મુજબ હવે નેપાળ વ્યાપાર માટે ચીનના પોર્ટનો ઉપયોગ કરી શકશે.
નોંધનીય છે કે નેપાળ અત્યાર સુધી પોતાનો મોટાભાગનો વ્યાપાર હિંદુસ્તાનથી કરે છે. પરંતુ 2016 પહેલા નેપાળમાં મધેસી આંદોલન ચાલી રહ્યું હતું તે વખતે બંને દેશો વચ્ચે સંબંધ બગડ્યાં. ત્યારબાદ નેપાળના વડાપ્રધાન ઓ પી કોલીએ 2016માં બેઈજિંગ સાથે પોતાના સંબંધ આગળ વધાર્યાં. ચીને શુક્રવારે નેપાળને પોતાના ચાર બંદરો અને 3 લેન્ડ પોર્ટના ઉપયોગની મંજૂરી આપી દીધી. તેનાથી આંતરરાષ્ટ્રીય કારોબાર માટે જમીનથી ઘેરાયેલા નેપાળની ભારત પર નિર્ભરતા ખતમ થઈ જશે.
ખુબ મહત્વનો છે આ કરાર
બંને દેશો વચ્ચે આ કરાર ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. નેપાળ હવે ચીનના શેનજેન, લિયાનયુગાંગ, ઝાજિયાંગ અને તિયાનજિન પોર્ટનો ઉપયોગ કરી શકશે. તિયાનજિન પોર્ટ નેપાળની સીમાથી સૌથી નજીક પોર્ટ છે. જે લગભગ 3000 કિમી દૂર છે. આ પ્રકારે ચીને લંઝાઉ, લ્હાસા અને શીગાટ્સ લેન્ડ પોર્ટ (ડ્રાય પોર્ટ્સ)ના ઉપયોગની પણ મંજૂરી આપી દીધી છે.
ભારત પર નિર્ભરતા ઓછી થશે, પરંતુ ખર્ચનો સવાલ હજુ પણ બાકી
કહેવાય છે કે આ એગ્રીમેન્ટ થતા જ બીજા દેશો સાથે વ્યાપાર કરવા માટે નેપાળની ભારત પર નિર્ભરતા ઓછી થઈ જશે. જો કે હજુ તેના પર સવાલ બાકી છે, કારણ કે નેપાળ માટે ચીનના પોર્ટથી વ્યાપાર કરવું ખુબ ખર્ચાળ સાબિત થશે.