નાઇજીરીયામાં ગેસ ડિપોટમાં વિસ્ફોટથી 18 લોકોના મોત, 40થી વધુ લોકો ઘાયલ
પીડિતોને સારવાર માટે મોટરબાઇક પર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા કારણ કે એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નહોતી.
નાઇજીરીયા: મધ્ય નાઇજીરીયાના નાસારાવા રાજ્યની રાજધાની લાફિયામાં સોમવારે એક ગેસ ડિપોટમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 18 લોકોના મોત થયા, જ્યારે 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાય હતા.
આ ઘટના દરમિયાન ત્યાં હાજર એક ટેક્સી ડ્રાઇવર યુકુબ ચાર્લ્સે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, 12થી વધુ વાહનોમાં આગ લાગી હતી અને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. મોટરબાઇક પર પીડિતોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા કારણ કે એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નહોતી.
નાઇજીરીયા પોલીસ અને ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સે વિસ્ફોટ થયાની પુષ્ટિ કરી હતી, પરંતુ તેમણે મોટી સંખ્યામાં જાનહાનિ થયાનો ઇનકાર કર્યો હતો. નાઇજીરીયાના સેનેટ પ્રમુખ બુકોલા સરકીએ વિસ્ફોટને લઇ ટેવિટ પોસ્ટમાં લખ્યું હતું કે એવા પરિવારો માટે પ્રાર્થના કરૂ છું જેમણે પરિવારનો સભ્ય ગુમાવ્યો છે.