3 મહિનાની નાનકડી સભ્ય પહોંચી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં, યુએનએ કર્યું આવું સ્વાગત
ચાલુ વર્ષે જુન મહિનામાં ન્યુઝિલેન્ડનાં વડા પ્રધાન જેસિન્ડાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેમણે નેવે તે આરોહા રાખ્યું છે. સોમવારે તે પોતાની માતા અને પિતા સાથે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પહોંચી હતી
સંયુક્ત રાષ્ટ્રઃ દુનિયાના સૌથી મહત્ત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં ભેગા થયેલા નેતાઓ વચ્ચે જ્યારે 3 મહિનાની એક બાળકી પહોંચી જાય તો સૌનું આશ્ચર્યચકિત થવું સ્વાભાવિક છે. આ વખતે આવી જ એક નાનકડી સુંદર બેબી અહીં પહોંચી હતી. આ નાનકડી સભ્ય છે, ન્યુઝિલેન્ડનાં વડા પ્રદાન જેસિન્ડા એરડર્નની પુત્રી. આ વર્ષે જુન મહિનામાં જ જેસિન્ડાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. તેનું નામ તેમણે નેવે તે આરોહા રાખ્યું છે.
સોમવારે તે પોતાની માતા-પિતા સાથે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠકમાં પહોંચી હતી. અહીં તેની માતા અને ન્યુઝિલેન્ડનાં વડા પ્રદાન જેસિન્ડાને સંયુક્ત રાષ્ટ્રની બેઠકને સંબોધિત કરવાની હતી.
તેના પાર્ટનર ક્લાર્ક ગે ફોર્ડે તેના ભાષણ દરમિયાન બાળકીને સંભાળી હતી. જેસિન્ડા બીજાં વડા પ્રદાન છે, જેમણે પીએમ પદ પર રહેતાં બાળકને જન્મ આપ્યો છે. જેસિન્ડના પાર્ટનર ગેફોર્ડે પોતાની બાળકીનો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે, જેમાં તે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં બાળકી સાથે જોવા મળી રહ્યો છે.
આટલું જ નહીં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આ નાનકડા મહેમાનનું હર્ષપૂર્વક સ્વાગત કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુઝારિકે જણાવ્યું કે, ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડાએ યોગ્ય અર્થમાં બતાવી આપ્યું છે કે એક કામકાજી માતાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. દુનિયામાં માત્ર 5 ટકા મહિલાઓ જ વિશ્વની નેતા છે. આથી આપણી જવાબદારી બને છે કે, તેમનું જેટલું બની શકે એટલું સ્વાગત અને સન્માન કરવું જોઈએ.
જેસિન્ડાથી પહેલાં 1990માં પાકિસ્તાનનાં વડા પ્રધાન બેનઝિર ભુટ્ટો આ પદ પર રહેવા દરમિયાન માતા બન્યાં હતાં. ન્યુઝિલેન્ડનાં વડા પ્રધાનના માતા બનવાના સમાચાર આવતાં જ બેનઝીર ભુટ્ટોની પુત્રી બખ્તાવર ભુટ્ટોએ તેમને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.