મેલબોર્નઃ શુક્રવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક વ્યક્તિએ ચાકૂ વડે અસંખ્ય લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે હુમલાખોરને ગોળી મારીને ઠાર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્ટોરિયા પોલીસના સુપ્રીટેન્ડન્ટે આ ઘટના અંગે જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિ ઈન્ટેલિજન્સ અધિકારીઓને અને સ્થાનિક પોલીસને જાણતો હતો. આ હુમલો આતંકવાદ સાથે સંકળાયેલો છે. વિક્ટોરિયા પોલીસે જણાવ્યું કે, મેલબોર્નમાં બોરકે સ્ટ્રીટ ખાતે આવેલા એક મોલ પાસે આ ઘટના બની હતી. 


વિક્ટોરિયા પોલીસના જણાવ્યા મુજબ, શરૂઆતમાં પોલીસને સ્વાસ્ટોન સ્ટ્રીટમાં સ્થાનિક સમય સાંજના 4.20 કલાકે એક કારમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે જોયું તો કેટલાક લોકો પર ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘાયલ હતા. 


ઘટનાસ્થળે શંકાસ્પદ હુમલાખોરને પોલીસે ગોળી મારીને પકડી પાડ્યો હતો. તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલમાં હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ઈલાજ દરમિયાન તેનું મોત થયું હતું. 



મીડિયા સાથે વાત કરતા વિક્ટોરિયા પોલીસના સુપ્રીટેન્ડન્ટ ડેવિડ ક્લેયટોને જણાવ્યું કે, જેણે લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હોત તેને પોલીસે છાતીમાં ગોળી મારી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમણે આ ઘટના અંગે વધુ માહિતી આપવા માટે લોકોને આગળ આવવા જણાવ્યું છે. 


સીસીટીવી ફૂટેજ પ્રમાણે આ વ્યક્તિએ બે પોલીસવાળા પર પણ હુમલો કર્યો હતો, જે તેની પાસેથી ચાકુ ઝુંટવી લેવા માટે પ્રયાસ કરતા હતા. ત્યાર બાદ એક પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એક કારમાં આગ લાગતી દેખાઈ રહી છે. હજુ સુધી ચાકુ મારવાનું અને કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.