રોમઃ રોમમાં એક એસ્કેલેટરમાં ખામી સર્જાતાં તેણે અચાનક જ ઝડપ પકડી લીધી, જેના કારણે તેના ઉપર ઉભા રહેલા ડઝનબદ્ધ લોકો નીચે પહોંચીને ફસડાઈ પડ્યા હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપબ્બિકા મેટ્રો સ્ટેશન ખાતે આ દુર્ઘટના સર્જાઈ હતી. રશિયન ફૂટબોલ ફેન્સ રોમા અને સીએસકેએ મોસ્કો વચ્ચેની ચેમ્પિયન્સ લીગની મેચ જોવા મોટી સંખ્યામાં અહીં ઉતર્યા હતા. 



એસ્કેલેટરમાં ખામી સર્જાવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રોમ ફાયર બ્રિગેડે જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા અને એસ્કેલેટરનું રિપેરિંગ કાર્ય હાથ ધરાયું હતું. 


રોમના મેયર વિર્જિનિયા રાગીએ જણાવ્યું કે, જે લોકો ઘાયલ થયા છે તેમની સાથે તેમને સહામુભૂતિ છે. સત્તાતંત્રએ એસ્કેલેટરમાં સર્જાયેલી ખામીનું કારણ તાત્કાલિક શોધવું જોઈએ.



વીડિયોમાં દેખાય છે તે મુજબ રિપબ્બિકા સ્ટેશન પર એક એસ્કેલેટર નીચેની તરફ સરકી રહી હતી ત્યારે તે અચાનક જ ઝડપ પકડી લે છે. તેના ઉપર ડઝનબદ્ધ લોકો ઊભા હતા, તેઓ એકદમ જ નીચે ખેંચાઈ ગયા અને નીચે પહોંચતા લોકો એક-બીજાની ઉપર ફસડાઈ પડ્યા હતા. 


દુર્ઘટના માટે તપાસના આદેશ આપી દેવાયા છે. રશિયાના ફૂટબોલ પ્રશંસકો સ્ટેડિયમ તરફ લઈ જતી ટ્રેન પકડવા માટે આ મેટ્રો સ્ટેશનમાં આવી રહ્યા હતા. રશિયાના 1500 જેટલા તોફાની પ્રશંસકો મેચ જોવા આવવા હોવાના કારણે રોમમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ હતી. 


એક અહેવાલ મુજબ રોમમાં જાહેર પરિવહન વ્યવસ્થા અવાર-નવાર ટીકાનું કેન્દ્ર બનતી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એક ડઝન કરતાં વધુ મ્યુનિસિપલ બસોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. મેટ્રોના મુસાફરો પણ ઘણી વખત દુર્ઘટનાનો ભોગ બનેલા છે.