વાજપેયીજીના નિધન પર પાકિસ્તાનના ભાવી PM પણ શોકાતુર, આપ્યું મોટું નિવેદન
ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. 11 જૂનથી તેઓ દિલ્હીની એમ્સમાં દાખલ હતાં
નવી દિલ્હી: ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. 11 જૂનથી તેઓ દિલ્હીની એમ્સમાં દાખલ હતાં. વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાંથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ઈમરાન ખાને પોતાના એક સંદેશમાં કહ્યું કે અટલ બિહારી વાજપેયી રાજકારણમાં એક મોટું વ્યક્તિત્વ હતાં. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટે તેમણે કરેલા પ્રયત્નોને હંમેશા યાદ રાખવામાં આવશે. વિદેશ મંત્રી તરીકે શ્રી વાજપેયીએ ભારત-પાક સંબંધોમાં સુધારની જવાબદારી લીધી હતી. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન 18 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લેશે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. આજે બપોરે પાર્થિવ દેહ ભાજપના હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવશે અને બપોરે અંતિમ યાત્રા શરૂ થશે. 4 વાગે તેમના અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સ્મારક સ્થળ પર કરવામાં આવશે.
દિલ્હી-લાહોર બસ સેવા
અટલ બિહારી વાજપેયીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધુર સંબંધ સ્થાપિત કરવા માટે અનેક ઐતિહાસિક પગલા લીધા. જેમાંનું એક હતું દિલ્હી-લાહોર બસ સેવા. વાજપેયી જ્યારે દેશના વડાપ્રધાન હતાં ત્યારે દિલ્હીથી લાહોરની બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આ બસ સેવાનું નામ સદા એ સરહદ રાખવામાં આવ્યું હતું. 19 ફેબ્રુઆરી 1999ના રોજ આ બસ સેવા શરૂ કરાઈ હતી. બસમાં વાજપેયી પોતે લાહોર ગયા હતાં. આ સેવા અધિકૃત રીતે 16 માર્ચથી શરૂ થઈ હતી. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેને બંધ કરાઈ નહતી. જો કે 2001માં સંસદ ભવન પર થયેલા આતંકી હુમલા બાદ આ બસ સેવાને બંધ કરાઈ હતી. ત્યારબાદ 2003માં તે ફરી શરૂ કરાઈ હતી.