અચ્છા તો આ કારણે ગઈ ઈમરાનની ખુરશી! હંમેશા પડદા પાછળ રહેતી PAK આર્મીએ પહેલીવાર મોઢું ખોલ્યું!
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે જણાવ્યું છે કે સેના કોઈપણ વિદેશી ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં આવા કોઈ ષડયંત્રની ચર્ચા થઈ નથી.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વિદેશી ષડયંત્રના આરોપને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં મેજર જનરલ બાબર ઈફ્તિખારે કહ્યું કે ગત મહિને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની બેઠકમાં વિદેશી ષડયંત્રનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને દાવો કર્યો હતો કે આ બેઠકમાં તેમની સરકારને તોડવા પાછળના વિદેશી ષડયંત્રની વાત સ્વીકારવામાં આવી હતી.
'નિવેદન દર્શાવે છે સેનાનું વલણ'
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે જણાવ્યું છે કે સેના કોઈપણ વિદેશી ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં આવા કોઈ ષડયંત્રની ચર્ચા થઈ નથી. તેમણે આગળ જણાવ્યું, 'જ્યાં સુધી NSC મીટિંગને લઈને પાકિસ્તાની સેનાની પ્રતિક્રિયાનો સવાલ છે, તો મીટિંગમાં સેનાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે જણાવવામાં આવ્યું હતું અને પછી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મીટિંગમાં શું નિષ્કર્ષ પર પહોંચ્યા હતા' .
ઈમરાનના આરોપને પણ નકારવામાં આવ્યા
પત્રકારો સાથે વાત કરતા મેજર જનરલ બાબરે જણાવ્યું કે, 'બેઠકમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તમારી સામે છે અને તે સ્પષ્ટ છે. શું આમાં કાવતરા જેવા કોઈ શબ્દનો ઉપયોગ થયો છે? મને એવુ નથી લાગતુ'. તેમણે વધુમાં કહ્યું કે જો સરકાર ઈચ્છે તો NSC મીટિંગની મિનિટ્સ સાર્વજનિક કરી શકે છે. બાબરે એ વાતને પણ નકારી કાઢી હતી કે અમેરિકાએ પાકિસ્તાનમાં સૈન્ય મથક બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જો આવું કંઈક થયું હોત તો સેનાને ખબર પડી હોત. ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને કહ્યું હતું કે, અમેરિકાની આ માંગ પૂરી ન કરવાને કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
શું ઈમરાને માંગી હતી મદદ?
ઈમરાનના રશિયા પ્રવાસ પર સેનાના પ્રવક્તાએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાને આ મામલે સેનાને વિશ્વાસમાં લીધી હતી. એ સવાલના જવાબમાં કે શું ઈમરાન ખાને પોતાને રાજકીય સંકટમાંથી બચાવવા માટે સેનાની મદદ લીધી હતી? બાબરે કહ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારું રાજકીય નેતૃત્વ વાત કરવા તૈયાર નથી. તેથી આર્મી ચીફ અને આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ પીએમઓમાં ગયા અને ત્રણ દૃશ્યો પર ચર્ચા થઈ. પહેલું કે અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે, બીજું કે વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવી જોઈએ અને ત્રીજું કે એસેમ્બલીઓનું વિસર્જન કરવું જોઈએ. બાબરે દાવો કર્યો હતો કે સેના પ્રમુખે આ અંગે વિપક્ષ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર આગળ વધવા સિવાય અન્ય કંઈપણ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
સમયસર નિવૃત્ત થશે આર્મી ચીફ
મેજર જનરલ બાબર ઈફ્તિખારે એ પણ જણાવ્યું કે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા પોતાના નિર્ધારિત સમયે નિવૃત્ત થશે. તેમણે કહ્યું કે સેના પ્રમુખના કાર્યકાળને લઈને પણ અફવાઓ ફેલાવવામાં આવી છે, મેં તેનો અંત આણ્યો છે. આર્મી ચીફ ન તો એક્સટેન્શનની માંગ કરી રહ્યા છે અને ન તો તે સ્વીકારશે. તેઓ 22 નવેમ્બરે સમયસર નિવૃત્ત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube