નવી સરકાર માટે પાકિસ્તાનમાં આજે મતદાન, જાણો ચૂંટણીમાં ભારત કેટલો મહત્વનો મુદ્દો, સેનાનું કોને સમર્થન
Pakistan Election 2024: પાકિસ્તાનમાં હિંસા વચ્ચે આજે નવી સરકાર માટે મતદાનનો દિવસ છે. ઈમરાન ખાન જેલમાં હોવાના કારણે મુખ્ય મુકાબલો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે માનવામાં આવી રહ્યો છે
Pakistan Election 2024: પાકિસ્તાનમાં હિંસા વચ્ચે આજે નવી સરકાર માટે મતદાનનો દિવસ છે. ઈમરાન ખાન જેલમાં હોવાના કારણે મુખ્ય મુકાબલો નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે માનવામાં આવી રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે નવાઝ શરીફ આ દોડમાં સૌથી આગળ છે અને તેઓ ચોથીવાર પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શકે છે. તેનું એક કારણ એ પણ છે કે તેમને સેનાનો ભરપૂર સાથ મળી રહ્યો છે.
પાકિસ્તાનની સેનાએ પ્રોજેક્ટ ઈમરાન બાદ હવે નવાઝ શરીફ પર દાવ લગાવ્યો છે. નવાઝ શરીફની જીત સુનિશ્ચિત હોવા પાછળ પાકિસ્તાનની સેનાની ગુડબુકમાં તેમનું નામ સૌથી ઉપર હોવું એ પણ છે. સેના અને ઈમરાન ખાન વચ્ચે કડવાહટ વધી છે જેના કારણે પાકિસ્તાનમાં નવાઝ શરીફનું સિલેક્શન પાક્કું ગણવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના મોટા મોટા પત્રકારો ટીવી પર ખુલીને બોલી રહ્યા છે કે નવાઝ શરીફ એકવાર ફરીથી પીએમ આવાસ પાછા ફરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે શરીફને પાંચ વર્ષ પહેલા કરોડો રૂપિયાની હેરાફેરી મામલે દોષિત કરાર ગણાવવાના નામ પર ચૂંટણી લડતા રોકવામાં આવ્યા હતા. તેમને પાકિસ્તાનની કોર્ટ ઉમરકેદથી લઈને 10 વર્ષ સુધીની સજા સંભળાવી ચૂકી છે. પરંતુ આમ છતાં નવાઝ શરીફને પાકિસ્તાનના પીએમ બનાવવાનો જાણે નિર્ણય લેવાઈ ચૂક્યો છે.
ભારત માટે શું કહે છે શરીફ?
પાકિસ્તાનની દરેક ચૂંટણીમાં ભારત મોટો મુદ્દો રહ્યો છે. નવાઝ શરીફ ભારત સાથે મિત્રતાને ટ્રમ્પ કાર્ડ તરીકે રજૂ કરતા આવ્યા છે. તેઓ જનતાને યાદ અપાવતા રહે છે કે તેમની જ સરકારમાં અટલ બિહારી વાજપેયીથી લઈને નરેન્દ્ર મોદી પાકિસ્તાન આવ્યા હતા. પરંતુ સવાલ એ છે કે નવાઝ શરીફ ચૂંટણીમાં ભારત કાર્ડ કેમ ખેલી રહ્યા છે? શું કાશ્મીર મુદ્દે ભારતનું આકરું વલણ છતાં તેઓ ભારત તરફ મિત્રતાનો હાથ આગળ વધારવા માંગે છે?
નવાઝ શરીફ ભારત સાથે સંબંધ સારા કરવા માંગે છે પરંતુ કેમ? તેનો પહેલો જવાબ છે હિન્દુસ્તાનની પ્રગતિ, જેની ચમકને પાકિસ્તાનના લોકો પણ સ્વીકારે છે. અનેક લોકો માની રહ્યા છે કે ભારત સાથે હવે મિત્રતા કરવામાં જ ફાયદો છે. આ કારણ છે કે જનતાનો અવાજ સાંભળીને શરીફ લંડનથી પાછા ફર્યા ત્યારબાદ ભારતને લઈને સૂર બદલી રહ્યા છે. જેથી કરીને ભારત સાથે મિત્રતાના જૂના ઈતિહાસને દેખાડીને પોતાની રાજકીય તાકાત મજબૂત કરી શકાય. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનએ પોતાના ચૂંટણીઢંઢેરામાં પણ ભારતને 'શાંતિનો સંદેશ' આપવાનું વચન આપ્યું છે. જો કે તેમાં એ શરત પણ મૂકી છે કે ભારતે કાશ્મીરને વિશેષ દરજ્જો પરત કરવો પડશે.
તેમણે તો હાલની સ્થિતિનો દોષનો ટોપલો ઈમરાન ખાન પર ઢોળી દીધો છે. તેમનું કહેવું છે કે ઈમરાન ખાનના કારણે હિન્દુસ્તાન સાથે સંબંધ બગડ્યા અને પાકિસ્તાનની જનતા મોંઘવારીમાં પિસાઈ રહી છે. બંને દેશો વચ્ચે વેપાર 2019થી બંધ છે. પુલવામા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ છીનવી લીધો અને ત્યાંથી આયાત થનારા સામાન ઉપર કસ્ટમ ડ્યૂટી 200 ટકા વધારી દીધી. ત્યારબાદ ભારતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તો તેનાથી ધૂંધવાઈને પાકિસ્તાને કારોબાર પર રોક લગાવી દીધી.
ચૂંટણી માટે કેટલું તૈયાર પાકિસ્તાન
પાકિસ્તાનમાં ચૂંટણીને લઈને લગબઘ 650000 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. દેશમાં 12.85 કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુરક્ષાની દ્રષ્ટિએ સરકારે અફઘાનિસ્તાન અને ઈરાન સાથેની સરહદો સીલ કરી છે. પોલીસ અધિકારીઓના નિરીક્ષણાં 90 હજારથી વધુ મતદાન કેન્દ્રો પર મતદાન સામગ્રી પહોંચી કરાઈ. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. દેશભરમાં જાહેર રજા અપાઈ છે જેથી કરીને લોકો મતદાન કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube