પાકિસ્તાનઃ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર રદ્દ થઈ શકે છે ઇમરાન ખાનનો મત, ECએ આપી નોટિસ
ચૂંટણી પંચે ઇમરાન દ્વારા મીડિયા સાથે વાત કરવાની ઘટનાને આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. આયોગે આ વાત પર તેમને નોટિસ જારી કરી છે.
ઇસ્લામાબાદઃ ક્રિકેટરમાંથી નેતા બનેલા પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના અધ્યક્ષ ઇમરાન ખાન અને વિવાદો વચ્ચે સીધો નાતો છે. પાકિસ્તાનમાં આજે મતદાન હતું. આ ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. ઇમરાન ખાન જ્યારે પોતાનો મત આપીને મતદાન કેન્દ્રની બહાર આવ્યો, મીડિયાએ તેમને ઘેરી લીધા. પીટીઆઈના પ્રમુખે પણ મોકાનો ફાયદો ઉઠાવતા મીડિયામાં મોટુ નિવેદન આપી દીધું. ચૂંટણી પંચે ઇમરાન દ્વારા મીડિયા સાથે વાત કરવાની ઘટનાને આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. આયોગે આ વાત પર તેમને નોટિસ જારી કરી છે.
પાકિસ્તાન ચૂંટણી પંચે બુધવારે 11મી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના અધ્યક્ષ ઇમરાન ખાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાજ શરીફને મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધિત કરવાની ઘટનાને ધ્યાને લીધી છે. આયોગે આ આચરણને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ચૂંટણી આયોગના પ્રવક્તા નદીમ કાસિમે કહ્યું કે, મતદાન કર્યા બાદ ભાષણ આપનાર અને ઓન કેમેરા મતદાન કરનાર નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે. કાસિમે કહ્યું કે, તેનો મત રદ્દ પણ થઈ શકે છે પરંતુ ચૂંટણી પંચના કાયદા પ્રમાણે પરિણામ ભોગવવા પડશે.
ચૂંટણી પંચે ટીવી ચેનલોને પણ ઉમેદવારોનું મીડિયા સંબોધન કે સીધું પ્રસારણ ન કરવાની સૂચના આપી છે. ચૂંટણી પંચે પીએમએલ-એન નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન ખ્વાજા આસિફના સિયાલકોટમાં મતદાન કર્યા બાદ પ્રેસ વાર્તા પર સંજ્ઞાન લીધું છે.