નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે ગઈ કાલે મતદાન યોજાયું. જેના પરિણામો પણ જાહેર થઈ રહ્યાં છે. મળી રહેલી માહિતી મુજબ ઈમરાન ખાનની પાર્ટી તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. મતદાન પૂરું થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરાઈ છે. (પાકિસ્તાનમાં એક પણ વડાપ્રધાને કાર્યકાળ પૂર્ણ કર્યો નથી, જાણો રસપ્રદ હકીકત) છેલ્લે મળતી માહિતી મુજબ ઈમરાન ખાનની પાર્ટી 119 બેઠકો પર અને નવાઝ શરીફની પાર્ટી પીએમએલએન 61 બેઠકો પર આગળ છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) 40  પર આગળ છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનની સત્તા કબ્જે કરવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા હાફિઝ સઈદની પાર્ટી અલ્લાહ ઓ અકબર તહરીકનું તો ખાતું પણ ખુલ્યુ નથી. ઈમરાન ખાન જે બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં ત્યાં જીત મેળવી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 137 બેઠકોની જરૂર
જો કે હાલ તો પાકિસ્તાનમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી રહી હોય તેવું જણાતું નથી. હેંગ અસેમ્બલીની ભીતી સેવાઈ રહી છે. 272 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 137 બેઠકો જોઈએ. જો કે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) 40 બેઠકો પર આગળ છે આથી એવા સંકેતો મળી રહ્યાં છે કે જો કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી તો પીપીપી કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 


પીએમએલ-એનએ મતગણતરી પર આપત્તિ વ્યક્ત કરી
આ દરમિયાન પીએમએલ-એનએ મતગણતરીની પ્રક્રિયા પર આપત્તિ વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના એજન્ટોને અનેક મતવિસ્તારોમાં મતકેન્દ્રોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં. પીપીપીના મૌલા બક્સ ચંદિયોએ પણ દાવો કર્યો કે તેમની પાર્ટીના એજન્ટોને બાદિનમાં મતદાન કેન્દ્રોની અંદર જવા દેવામાં આવ્યાં નહીં. 


ઈમરાન ખાનને હાંસલ છે સેના અને આઈએસઆઈનું સમર્થન, વિરોધીઓનો આરોપ
આ ચૂંટણીમાં ઈમરાન ખાનના વિરોધીઓએ આરોપ લગાવ્યા છે કે તેમની પાર્ટી એટલે કે પીટીઆઈને પાકિસ્તાનની સેના અને જાસૂસી એજન્સી આઈએસઆઈનું સમર્થન પ્રાપ્ત છે. આ જ કારણે તેઓ લીડ મેળવી રહ્યાં છે. ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેઓ દેશની અત્યાર સુધીના રાજકીય પક્ષોના માત આપીને એક નવું પાકિસ્તાન બનાવશે. 


નેશનલ એસેમ્બલીમાં હોય છે કુલ 342 સભ્યો
હકીકતમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો હોય છે, જેમાંથી 272ને સીધી રીતે ચૂંટવામાં આવે છે. જ્યારે બાકીના 60 બેઠકો મહિલાઓ અને 10 બેઠકો ધાર્મિક અલ્પસંખ્યકો માટે અનામત છે. સામાન્ય ચૂંટણીમાં પાંચ ટકાથી વધુ મત મેળવનારા પક્ષો આ અનામત બેઠકો માટે સમાનુપાતિક પ્રતિનિધિત્વના હિસાબે પોતાના પ્રતિનિધિઓ મોકલી શકે છે. 


272 બેઠકો માટે 3459 ઉમેદવારો મેદાનમાં
નેશનલ એસેમ્બલીની 272 બેઠકો માટે 3459 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ચાર પ્રાંતીય વિધાનસભાઓ પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને ખેબર-પખ્તૂનખાની 577 જનરલ બેઠકો માટે 8396 ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યાં છે. આ ચૂંટણીમાં 30 ટકાથી વધુ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.