ઈમરાન ખાને ફરીથી PM મોદીના કર્યાં પેટછૂટા વખાણ, ભ્રષ્ટાચાર મુદ્દે નવાઝ શરીફ પર આકરા પ્રહાર
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકવાર ફરીથી વખાણ કર્યા છે. સોશિયલ મીડિયામાં એક વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ(એન) સુપ્રીમો નવાઝ શરીફની પાકિસ્તાનની બહાર સંપત્તિઓ વિશે વાત કરતા જોઈ અને સાંભળી શકાય છે. આ જ કડીમાં તેમણે ભારત અને પાકિસ્તાનની સરખામણી કરતા પીએમ મોદીની પણ પ્રશંસા કરી છે.
ઈમરાન ખાને નવાઝ શરીફ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, નવાઝ ઉપરાંત દુનિયામાં કોઈ પણ અન્ય નેતા પાસે અબજોની સંપત્તિ નથી. એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે "મને એક એવા દેશ વિશે જણાવો કે જેમના પ્રધાનમંત્રી કે નેતા પાસે દેશની બહાર અબજોની સંપત્તિ છે. આપણા પાડોશી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે ભારત બહાર કેટલી સંપત્તિ છે?" ઈમરાન ખાને કહ્યું કે "કોઈ વિચારી પણ ન શકે કે નવાઝ પાસે વિદેશમાં કેટલી સંપત્તિ છે."
અત્રે જણાવવાનું કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા છે. આ અગાઉ પણ તેઓ ભારતની વિદેશ નીતિના અનેક અવસરે વખાણ કર્યા છે. ઈમરાન ખાને રશિયા પાસેથી ઓછા ભાવે ઓઈલની ખરીદી બદલ ભારતની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેમની સરકાર પણ એક સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી તેના ઉપર કામ કરી રહી હતી. તેમણએ પાકિસ્તાન મુસ્લિમ લીગ(એન)ના નેતૃત્વવાળી સરકારને 'માથા વગરના મરઘાનું આમ તેમ ભાગવું' વાળી સરકાર ગણાવી હતી.
ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, કવાડનો ભાગ હોવા છતાં ભારત અમેરિકાના દબાણમાં આવ્યું નથી, જનતાને રાહત આપવા માટે ઓછા ભાવે રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરી. અમારી સરકાર એક સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ મેળવવા માટે કામ કરી રહી હતી.
આ અગાઉ એપ્રિલમાં પણ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) પ્રમુખે ભારતને 'ખુદ્દાર કોમ' ગણાવતા બિરદાવી હતી. અવિશ્વાસ મત પહેલા રાષ્ટ્રના નામે સંબોધનમાં તેમણે કહ્યું હતું કે 'ભારતીયો ખુદ્દાર એટલે કે ખુબ સ્વાભિમાની હોય છે. કોઈ પણ મહાશક્તિ ભારત માટે શરતો નિર્ધારિત કરી શકતી નથી.'