ઈસ્લામાબાદ: ઈમરાન ખાને મની લોન્ડરિંગની સમસ્યાને પહોંચી વળવા માટે બ્રિટન પાસે સહયોગ માંગ્યો છે. ખાને બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે વાતચીતમાં તેમની પાસે આ સમસ્યાને પહોંચી વળવા માટે સહયોગ માંગ્યો. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સમાં આ જાણકારી અપાઈ છે. એક દિવસ પહેલા ખાને કહ્યું હતું કે તેઓ દેશને 'લૂંટનારા' વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઈમરાન ખાને આજે જ પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનનો બ્રિટનને આ આગ્રહ એ દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ બને છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના સંબંધીઓ ભ્રષ્ટાચાર મામલે હાલ જેલમાં છે. તેમના વિરુદ્ધ કથિત મની લોન્ડરિંગ અને લાંચના અનેક મામલાઓ પણ છે. ડોન સમાચાર પત્રના અહેવાલ મુજબ ગઈ કાલે પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યાં બાદ બ્રિટિશ વડાપ્રધાન મેએ અભિનંદન પાઠવવા માટે ખાનને ફોન કર્યો હતો. 


મેએ ઈમરાન ખાન સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમની સરકાર પાકિસ્તાન સાથે પોતાના સંબંધો સુધારવા માટે પ્રતિબદ્ધ છે. મેએ ખાનને કહ્યું કે અમે પાકિસ્તાન સાથે ભાગીદારીના નવા રસ્તા ખોલવા માટે તૈયાર છીએ. 


હકીકતમાં શુક્રવારે પાકિસ્તાની સંસદમાં પોતાના પહેલા સંબોધનમાં ઈમરાને પાકિસ્તાનને લૂંટનારાઓ સામે કાર્યવાહી કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે હું આજે મારા વતનને વચન આપું છું કે જેના માટે મુલ્ક લાંબા સમયથી કોશિશ કરી રહ્યો છે તે ફેરફાર લાવીશું. ઈમરાને કહ્યું કે અમારે આ દેશમાં સખત જવાબદારી કાયમ કરવાની છે. હું વચન આપું છુ કે હું પાકિસ્તાનને લૂંટનારાઓ સામે કાર્યવાહી કરીશ. જે કાળા નાણાને સફેદ કરવામાં આવ્યું, તે હું પાછું લાવીશ. જે પૈસા શિક્ષા, સ્વાસ્થ્ય અને પાણી પર ખર્ચ થવા જોઈતા હતાં તે લોકોના ખિસ્સામાં જતા રહ્યાં.