પૂંછમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ઝેર ઓક્યું, પૂર્વ રાજદૂતે હુમલાને ગણાવ્યો યોગ્ય
પાકિસ્તાનના શાસકો અને ઉચ્ચ અધિકારીઓને આતંકવાદ પ્રત્યે કેટલો લગાવ છે, તે વાત આખી દુનિયા જાણે છે. જો કે જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલાના મુદ્દે પાકિસ્તાને હદ વટાવી દીધી છે.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે ભારતના જવાનો પરના આતંકી હુમલાને યોગ્ય ઠરાવ્યો છે, તેમણે આતંકવાદનું સમર્થન કર્યું છે. જો કે આ હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઈકનો ડર પણ સતાવી રહ્યો છે.
પાકિસ્તાનના શાસકો અને ઉચ્ચ અધિકારીઓને આતંકવાદ પ્રત્યે કેટલો લગાવ છે, તે વાત આખી દુનિયા જાણે છે. જો કે જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલાના મુદ્દે પાકિસ્તાને હદ વટાવી દીધી છે. ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અને વિદેશ મંત્રાલયમાંથી હાંકી કઢાયેલા અબ્દુલ બાસિતે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે પૂંછના આતંકીવાદી હુમલાને યોગ્ય ગણાવ્યો છે, જેમાં ભારતીય સેનાના 5 જવાન શહીદ થયા હતા. પોતાના શરમજનક નિવેદન માટે બાસિતે આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપ્યો છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ આંતરરાષ્ટ્રીય કાયદાને પણ આતંકવાદના ચશ્મા પહેરીને જુએ અને સમજે છે. અબ્દુલ બસિતનું આ નિવેદન તેનો વધુ એક પુરાવો છે. આતંકવાદીઓનું સમર્થન કરીને બાસિતે પોતાના જ દેશનો અસલી ચહેરો ફરી ઉજાગર કર્યો છે. એ પણ એવા સમયે જ્યારે પાકિસ્તાનના પોલીસ સ્ટેશનો અને સૈન્ય ઠેકાણા પર આતંકવાદી હુમલામાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં શું અબ્દુલ બસિત આ હુમલાને પણ આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપીને યોગ્ય ગણાવશે?
પૂંછના આતંકી હુમલામાં પાકિસ્તાનના આતંકીઓની સંડોવણી સામે આવી છે, ત્યારે અબ્દુલ બાસિતને ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઈકનો ડર પણ સતાવી રહ્યો છે. આ માટે તેમણે અગાઉ ભારતે પાકિસ્તાનને આપેલા જવાબનો હવાલો પણ આપ્યો છે..
આ પણ વાંચોઃ Nostradamus: આવનારા 100 વર્ષોની આવી ગઈ ભયંકર આગાહીઓ, AIએ કર્યા મોટા ખુલાસા
જી-20 સમિટ અને શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલની બેઠકનો હવાલો આપીને પાકિસ્તાન એ રાહત અનુભવી રહ્યું છે કે ભારત હાલ તેને કોઈ જવાબ નહીં આપે. જો કે આ ગેરસમજ પાકિસ્તાનને ભારે પડી શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો શાઁઘાઈ કોઓપરેશન કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. હુમલા બાદ તેમના ભારત પ્રવાસ સામે પણ સવાલ ઉભા થયા હતા. જો કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ અપડેટ નથી આવ્યું. જેને જોતાં ભુટ્ટોનો ભારત પ્રવાસ નિશ્વિત મનાય છે.
પૂંછમાં આતંકી હુમલાને જી-20 સમિટ સાથે પણ જોડવામાં આવે છે. કાશ્મીરમાં જી 20 સમિટના ઉપક્રમે બેઠકો યોજાવાની છે, ત્યારે દુનિયામાં ભારતની છબી ખરડાય તે હેતુસર પાકિસ્તાને આ હુમલો કરાવ્યો હોવાનું જાણકારો માને છે. સુરક્ષા નિષ્ણાતો પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી ચૂક્યા છે.
આર્થિક રીતે બરબાદ થઈ ગયેલું પાકિસ્તાન અત્યારે ગૃહ યુદ્ધના આરે આવીને ઉભું છે. છતા પાકિસ્તાનના શાસકોની અકડ જતી નથી. જે તેમના જ દેશના લોકોને ભારે પડી રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહેશે કે પાકિસ્તાન ભારતના જવાબથી ક્યાં સુધી બચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube