Pakistan New PM: નક્કી થઈ ગયું કોણ બનશે પાકિસ્તાનના નવા PM, મરિયમ નવાઝનું પણ આ પદ નક્કી
Pakistan New PM Shehbaz Sharif: પાકિસ્તાનમાં આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે યક્ષ પ્રશ્નનો હવે કદાચ જવાબ મળી ગયો છે. જો કે સમગ્ર પાકિસ્તાનની ચૂંટણીઓમાં સેનાના હસ્તક્ષેપ અને પરિણામોમાં ધાંધલીની ચર્ચા થઈ રહી છે.
Pakistan New PM Shehbaz Sharif: પાકિસ્તાનમાં આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે યક્ષ પ્રશ્નનો હવે કદાચ જવાબ મળી ગયો છે. ઈસ્લામાબાદથી આવી રહેલી જાણકારી મુજબ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) એ શાહબાજ શરીફને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના અધ્યક્ષ શાહબાજ શરીફને તેમની પાર્ટીએ મંગળવારે મોડી રાતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે. શાહબાજ શરીફ બીજીવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનશે. તેઓ ઈમરાન ખાનની સરકાર પડ્યા બાદ 2022થી 2023 વચ્ચે પીપીપીના સમર્થનથી પીએમ બન્યા હતા.
પુત્રીને મળશે આ પદ
PML-N ના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે પાર્ટી સુપ્રીમો નવાઝ શરીફ (74) એ તેમના નાના ભાઈ શાહબાજ શરીફ (72)ને પ્રધાનમંત્રી પદ માટે તથા પુત્રી મરિયમ નવાઝને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે. તેમણે કહ્યું કે નવાઝ શરીફે PML-N ને (આગામી સરકાર બનાવવામાં) સમર્થન આપનારા રાજકીય પક્ષોનો આભાર માન્યો છે. તથા એવી આશા વ્યક્ત કરી છે કે આવા નિર્ણયોથી પાકિસ્તાન સંકટમાંથી બહાર આવી જશે.
બીજી બાજુ મરિયમ નવાઝ શરીફ પંજાબમાં સીએમ પદ માટે પીએમએલએનના ઉમેદવાર હશે. શાહબાજ શરીફે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મરિયમ નવાઝ પંજાબના પહેલા મહિલા મુખ્યમંત્રી હશે. નવી સરકારની રચનાને લઈને શાહબાજ શરીફે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારી, એમક્યુએમ નેતા ખાલિદ મક્બૂલ સાથે મુલાકાત કરી છે.
પરિણામો પર સવાલ
જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફને બાદ કરતા પ્રમુખ પાર્ટીઓએ જાહેરાત કરી છે કે તેઓ પીએમએલ-એનના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવાની કોશિશ કરશે. એવું કહેવાય છે કે નવાઝ શરીફ પરિવારની નેગેટિવ ઈમેજ ન બને એટલે શાહબાજ શરીફને ખુરશી પર બેસાડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભલે ઈમરાન ખાનના અપક્ષ ઉમેદવારો પોતાના દમ પર બહુમતના આંકડાને ન સ્પર્શી શક્યા હોય પરંતુ તેમના અપક્ષ ઉમેદવારની પ્રચંડ જીત બાદ નવાઝ શરીફ આઘાતમાં તો છે. સમગ્ર પાકિસ્તાનની ચૂંટણીઓમાં સેનાના હસ્તક્ષેપ અને પરિણામોમાં ધાંધલીની ચર્ચા થઈ રહી છે. આવા સમાચારોથી PML-Nની ગુડવિલ વધુ ખરાબ થઈ છે.
પાકિસ્તાને ચૂંટણી તોકરાવી પરંતુ સેનાની સટિક સ્ક્રિપ્ટ છતાં પરિણામોમાં ધાંધલી થઈ. જેલમાં બંધ ઈમરાન ખાનના અપક્ષ ઉમેદવારોએ તમામ મુશ્કેલીઓનો સામનો કરતા 100થી વધુ બેઠકો મેળવી. નવાઝ શરીફની પાર્ટી PML-N અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી 100નો આંકડો પણ સ્પર્શી શકી નહીં. આવામાં બિલાવલ ભુટ્ટોએ નવાઝની પાર્ટી PML-N ને બહારથી સમર્થન આપવાની વાત કરી હતી. જો કે તેઓ પોતે પણ રેસમાં હતા પરંતુ પાર્ટીના શરમજનક પ્રદર્શનથી તેમનો બાર્ગેનિંગ પાવર ખતમ થઈ ગયો છે. આથી તેઓ પાછળ હટી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube