Pakistan: PM ઈમરાન ખાન પર લાલઘૂમ થયા આર્મી ચીફ! જાણો એવું તે શું થયું કે આપી ચેતવણી
પાકિસ્તાનમાં જે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે તેમાં રોજરોજ રોમાંચક વળાંક આવી રહ્યા છે. એક બાજુ જ્યાં વિપક્ષે ઈમરાન ખાનને પ્રધાનમંત્રી પદેથી હટાવવા માટે ચક્રવ્યૂહ રચ્યો છે ત્યાં બીજી બાજુ ઈમરાન ખાન આ ચક્રવ્યૂહને ભેદવા માટે ગડમથલ કરી રહ્યા છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં જે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે તેમાં રોજરોજ રોમાંચક વળાંક આવી રહ્યા છે. એક બાજુ જ્યાં વિપક્ષે ઈમરાન ખાનને પ્રધાનમંત્રી પદેથી હટાવવા માટે ચક્રવ્યૂહ રચ્યો છે ત્યાં બીજી બાજુ ઈમરાન ખાન આ ચક્રવ્યૂહને ભેદવા માટે ગડમથલ કરી રહ્યા છે. જો કે આ બધામાં તેઓ એક એવી હરકત કરી બેઠા જેનાથી સેના પ્રમુખ અને આઈએસઆઈ ચીફ નારાજ થઈ ગયા. વાત અહીં જ પૂરી ન થઈ. બાજવાએ તો તેમને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી. ત્યારબાદ ઈમરાન ખાનની બોલતી બંધ થઈ ગઈ.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ ઈમરાન ખાન પોતાના જ રાજદૂતનો એક ચેતવણી પત્ર જાહેર કરવા માંગતા હતા કે તેમની સરકારને પાડવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચાઈ રહ્યું છે. સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેઓ ઈમરાન ખાનના ઘરે પહોંચ્યા અને નારાજગી વ્યક્ત કરી. બાજવાએ તેમને કહ્યું કે પાકિસ્તાનના પીએમ ઓફિશિયલ સીક્રેટ એક્ટના કેસમાં ફસાઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે. ત્યારબાદ ઈમરાન ખાને અચાનક દેશને સંબોધન કરવાનો નિર્ણય રદ કર્યો.
જનરલ બાજવાએ ઈમરાન ખાનને જણાવ્યું કે આ કથિત પત્રને જાહેર કરીને સંબંધિત દેશ સાથે સંબંધ વધુ ખરાબ થઈ શકે છે. આવામાં પાકિસ્તાની પીએમ તેને જાહેર કરતા બચે. બાજવાએ ઈમરાન ખાનને એ પણ કહ્યું કે હવે જ્યાં સુધી તેમના વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તેઓ કોઈ મોટો કાર્યકારી આદેશ જાહેર ન કરે. સેના પ્રમુખે પ્રધાનમંત્રીને કહ્યું કે તેઓ પાયાવગરના આરોપ લગાવવાનું બંધ કરે કારણ કે તેમના સહયોગીઓ તેમને છોડીને જઈ રહ્યા છે અને તેના કારણે તેમની સરકાર પર સંકટ આવ્યું છે.
પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ માનીએ તો સેના અને આઈએસઆઈના જોર પર સત્તા પર આવેલા ઈમરાન ખાને હવે તેમના જ પોતાના એટલે કે જનરલ બાજવાનો સાથ મળી રહ્યો નથી. જેના કારણે ગમે ત્યારે તેમની સરકાર પડી શકે છે. ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં રેલી કરીને શક્તિપ્રદર્શન કરવાનો પણ પ્રયત્ન કર્યો એ દેખાડવા કે પ્રજા તેમની સાથે છે. પરંતુ લાગે છે કે તેમનો આ પ્રયત્ન પણ સેનાને પ્રભાવિત કરી શક્યો નહીં. અત્રે જણાવવાનું કે વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવ પર 3 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube