Dissolution of National Assembly: પાકિસ્તાનમાં ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અડધી રાતે ત્યાં અચાનક સંસદ ભંગ કરી દેવાઈ. એવું મનાઈ રહ્યું છે કે આગામી ત્રણ મહિનાની અંદર ત્યાં ચૂંટણી થઈ શકે છે. આ બધા વચ્ચે હવે સવાલ એ ઊભો થયો છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન આ ચૂંટણીમાં  ભાગ લઈ શકશે કે નહીં. કારણ કે 70 વર્ષના ઈમરાન ખાન હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે. તેમને તોશખાના ભ્રષ્ટાચાર મામલે 3 વર્ષની સજા થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી શાહબાજ શરીફની ભલામણ પર બુધવારે મધરાતે સંસદ ભંગ કરી દીધી. અત્રે જણાવવાનું કે સંસદના નીચલા સદન નેશનલ એસેમ્બલીને પાંચ વર્ષના બંધારણીય કાર્યકાળ પૂરો થાય  તેના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવાઈ છે. આ સાથે જ શાહબાબજ શરીફ સરકારનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો. 


સંસદને ભંગ કરવા અંગેના નોટિફિકેશનમાં કહેવાયું છે કે નેશનલ એસેમ્બલીને બંધારણની આર્ટિકલ 58 હેઠળ  ભંગ કરાઈ છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ અધિકૃત રીતે 12 ઓગસ્ટે પૂરો થવાનો હતો. અત્રે જણાવવાનું કે શાહબાજ શરીફે રાષ્ટ્રપતિ અલ્વીને પત્ર લખીને સંસદને ભંગ કરવાની ભલામણ કરી હતી. આર્ટિક 58 હેઠળ જો રાષ્ટ્રપતિ સંસદ ભંગ કરવા માટે પ્રધાનમંત્રીની ભલામણના 48 કલાકની અંદર એસેમ્બલી ભંગ ન કરે તો તે આપોઆપ ભંગ થઈ જશે. 


ત્રણ દિવસની અંદર વચગાળાના પ્રધાનમંત્રીનું નામ નક્કી થશે
બંધારણ મુજબ શાહબાજ શરીફ અને નેશનલ એસેમ્બલીના નેતા વિપક્ષની પાસે કેર ટેકર પ્રધાનમંત્રીના નામને અંતિમ સ્વરૂપ આપવા માટે ત્રણ દિવસનો સમય છે. જો કેરટેકર પ્રધાનમંત્રી માટે કોઈ નામ પર સહમતિ ન બને તો અસેમ્બલી સ્પીકર  દ્વારા બનાવવામાં આવેલી સમિતિની સમક્ષ આ મામલાને મોકલવામાં આવશે. આ સમિતિ ત્રણ દિવસની અંતર વચગાળાના પ્રધાનમંત્રીના નામ પર મહોર લગાવશે. 


પરંતુ જો સમિતિ પણ નિર્ધારિત સમયની અંદર કોઈ નિર્ણય ન લઈ સકે તો વચગાળાના પ્રધાનમંત્રીના દાવેદાર લોકોના નામને ચૂંટણી પંચની પાસે મોકલવામાં આવશે. ચૂંટણી પંચ બે દિવસની અંદર તેના પર અંતિમ નિર્ણય લેશે. 


આ અગાઉ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે બુધવારે સંસદના નીચલા સદનના વિદાય સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે તેઓ કાર્યવાહક પ્રધાનમંત્રીના નામો પર ચર્ચા કરવા માટે ગુરુવારના રોજ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ સાથે મુલાકાત કરશે. શરીફે કહ્યું કે ત્રણ દિવસનો સમય છે, જે દરમિયાન એક સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે. જો ત્રણ નામો પર સહમતિ ન બને તો વચગાળાના પ્રધાનમંત્રી માટે નામ પાકિસ્તાન ચૂંટણી પંચ પાસે જશે. 


પાકિસ્તાનનું બંધારણ કહે છે કે અસેમ્બલી ભંગ થયા બાદ ત્રણ મહિનાની અંદર ચૂંટણી થવી જરૂરી છે. જ્યાં સુધી ચૂંટણી ન થાય એક કેરટેકર સરકાર દેશનું કામકાજ જોશે. જો કે હજુ કેરટેકર પીએમ કોણ હશે તેમનું નામ નક્કી થયું નથી. નિયમો મુજબ કેરટેકર પીએમ નિયુક્ત ન થાય ત્યાં સુધી શાહબાજ શરીફ જ પ્રધાનમંત્રી રહેશે. અત્રે જણાવવાનું કે આવું બીજીવાર બન્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ અલ્વીએ નેશનલ એસેમ્બલી ભંગ કરી છે. આ અગાઉ તેઓ ગત વર્ષે એપ્રિલમાં તત્કાલિન પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ભલામણ પર પણ સંસદ ભંગ કરી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયને પલટી નાખ્યો હતો. 


ઈમરાન પર 5 વર્ષ સુધી રોક
ઈમરાન ખાન પર ચૂંટણી પંચે પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર રોક લગાવી છે. તોશાખાના કેસમાં દોષિત ઠરતા પાકિસ્તાન ચૂંટણી પંચે તેમને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાવ્યા છે. ઈમરાન ખાને તોશાખાના કેસમાં દોષિત ઠેરવાયા બાદ નીચલી કોર્ટના ચુકાદાને કોર્ટમાં પડકાર્યો છે. તેમણે કહ્યું કે ટ્રાયલ કોર્ટ દ્વારા ભ્રષ્ટાચાર કેસમાં તેમને સજા આપવી એ જજનો પક્ષપાતી નિર્ણય હતો. આ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ સુનાવણીના ચહેરા પર તમાચો છે. આ સાથે જ તે ન્યાય તથા ઉચિત પ્રક્રિયાની મજાક ઉડાવવા જેવું હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube