લોકોને સસ્તો લોટ મળે તે માટે પોતાના કપડા વેચવા તૈયાર થઈ ગયા પાકિસ્તાનના પ્રધાનમંત્રી
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઇમરાન ખાન પર નિશાન સાધતા કહ્યુ કે, તેમણે દેશને મોંઘવારી અને બેરોજગારીની ભેટ આપી છે. ખાને 50 લાખ ઘર અને એક કરોડ નોકરી આપવાનું વચન આપ્યું પરંતુ તેને પૂરુ કર્યું નહીં.
ઇસ્લામાબાદઃ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનની જનતા વધતી મોંઘવારીથી પરેશાન છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ સહિત લોટના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. દેશમાં આર્થિક સંકટ વચ્ચે રાજનીતિ પણ જોરશોરથી થઈ રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન રેલીઓ કાઢી રહ્યાં છે. આ વચ્ચે વર્તમાન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે વિચિત્ર નિવેદન આપ્યું છે. શરીફે લોકોને સંબોધન કરતા કહ્યુ કે, લોકોને સસ્તો લોટ ઉપલબ્ધ કરાવવા માટે તે પોતાના કપડા પણ વેચવા તૈયાર છે.
પાકિસ્તાનના એક અખબાર પ્રમાણે રવિવારે એક સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી શરીફે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાનને ચેતવણી આપતા કહ્યુ કે જો આગામી 24 કલાકમાં 10 કિલો લોટના પેકેટનો ભાવ 400 રૂપિયા ન કરવામાં આવ્યો તો તે પોતાના કપડા વેચી દેશે અને ખુદ જનતાને સસ્તો લોટ ઉપલબ્ધ કરાવશે. શરીફે કહ્યુ કે, હું મારા કપડા વેચી દઈશ અને લોકોને સસ્તો લોટ ઉપલબ્ધ કરાવીશ.
આ પણ વાંચોઃ નેપાળ પ્લેન ક્રેશ: પતિ-પત્નીના મિલનનો દર્દનાક અંત, બે બાળકો પણ મોતને ભેટ્યા
આ દરમિયાન શાહબાઝે પૂર્વ પીએમ ખાનને નિશાને લીધા હતા. તેમણે કહ્યું કે, ઇમરાન ખાને દેશને સૌથી વધુ મોંઘવારી અને બેરોજગારીની ભેટ આપી છે. ખાને 50 લાખ ઘર અને એક કરોડ નોકરીનું વચન આપ્યું હતું. પરંતુ તેમણે પોતાનું વચન પૂરુ કર્યું નહીં અને દેશને આર્થિક સંકટમાં ધકેલી દીધો. તેમણે લોકોને કહ્યું કે, હું મારા જીવની બાજી લગાવી દઈશ પરંતુ દેશને સમૃદ્ધિ અને વિકાસના માર્ગે લઈ જવાનો છું.
તો પ્રધાનમંત્રી શરીફે દેશમાં વધતા પેટ્રોલ-ડીઝલના ભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ ભાવ વધારા માટે ઇમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું- ઇમરાન ખાન જે દરેકનું બધાની સામે અપમાન કરે છે, તેમને જ્યારે વિશ્વાસ થઈ ગયો કે અવિશ્વાસ પ્રસ્તાવથી તે સત્તા ગુમાવશે તો પેટ્રોલિયમ ઉત્પાદકોના ભાવમાં ઘટાડો કરી દીધો, જ્યારે દુનિયામાં તેની કિંમત ઝડપથી વધી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube