ઈસ્લામાબાદ: ક્રિકેટની દુનિયાથી રાજકારણમાં આવેલા ઈમરાન ખાન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બને તેવી પ્રબળ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમને શાસનાધ્યક્ષને અપાતી વીવીઆઈપી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ જાણકારી મીડિયા રિપોર્ટ્સમાં અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોન અખબારના એક રિપોર્ટ મુજબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 25 જુલાઈના રોજ થયેલી ચૂંટમીમાં પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. આથી પાર્ટી પ્રમુખને વીવીઆઈપી પ્રોટોકોલ આપવામાં આવ્યું છે. 


રિપોર્ટમાં કહેવાયું છે કે આ ફેસલા બાદ ઈમરાન  ખાન અને તેમના આવાસની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ તેમણે વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાનું વચન આપ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઈમરાન ખાનના બનિગાલા આવાસની મુલાકાત લીધી અને તેમના સુરક્ષા અધિકારી સાથે વાત કરી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ ફોર્સે તેમના આવાસની સાથે સાથે આસપાસના વિસ્તારની પણ સમિક્ષા કરી. 


પોલીસે એ સ્થળોની પણ સુરક્ષા વધારી દીધી છે જ્યાં ઈમરાન ખાન જવાના છે. ખાનના આવાસ બહાર એક એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓની પણ તહેનાતી કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમના આવાસની આસપાસ પગપાળા પેટ્રોલિંગ ટુકડી અને મોટરસાઈકલ પેટ્રોલિંગ ટુકડીને પણ તહેનાત કરાઈ છે. ખાનના આવાસની પાસે એક પહાડી ઉપર પણ સુરક્ષા વધારવાનું સૂચન કરાયું છે. કારણ કે પહાડી પરથી ઈમરાન ખાનનું ઘર દેખાય છે. તેમની સુરક્ષા ટીમના પ્રભારીને કહેવાયું છે કે તેઓ ઈમરાન ખાન જ્યાં આવ જા કરે તે અંગે અગાઉથી જાણકારી આપે જેથી કરીને તે સ્થળો પર રસ્તામાં સુરક્ષા વ્યવસ્થા કરી શકાય.