ઈસ્લામાબાદ: પાકિસ્તાને ભારતીય મીડિયામાં પ્રસારિત થયેલા સર્જિકલ સ્ટ્રાઈકના કથિત વીડિયોને ફગાવ્યો છે. પાકિસ્તાને આ વીડિયોને હાસ્યાસ્પદ ગણાવ્યો છે અને કહ્યું છે કે જ્યારે કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ નથી તો વીડિયો કેવી રીતે આવી શકે છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે 'મેં પહેલા પણ કહ્યું છે અને ફરીથી કહીશ, સર્જિકલ સ્ટ્રાઈકનો હાસ્યાસ્પદ દાવો ભારતની એક કાલ્પનિક કથા છે બીજુ કશું નથી! તેઓ સપના જોઈ શકે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધ્યા બાદ પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાએ સપ્ટેમ્બર 2016માં સરહદ ઓળંગીને તેમના કેમ્પો તબાહ કર્યા હતાં. આ સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો બુધવારે ઝી ન્યૂઝે દેખાડ્યો હતો.


શું છે સર્જિકલ સ્ટ્રાઈક?


1. એક સીમિત વિસ્તારમાં દુશ્મનો કે આતંકીઓના સફાયા માટે જ્યારે સેના દ્વારા કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવે તો તેને સર્જિકલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે.


2. આ માટે પહેલા સમય નક્કી કરવામાં આવે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કરવાની છે. ત્યારબાદ આ અભિયાનની જાણકારી ખુબ જ ગોપનીય રાખવામાં આવે છે જેની ખબર માત્ર ગણ્યાં ગાંઠ્યા લોકોને જ હોય છે.


3. સર્જિકલ  સ્ટ્રાઈકમાં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે જગ્યાએ કે વિસ્તારમાં આતંકીઓ કે દુશ્મનો છૂપાયેલા છે તેને જ જગ્યાને નિશાન બનાવવામાં આવે કે પછી સ્ટ્રાઈક કરવામાં આવે. તેનાથી બાકીના લોકોને એટલે કે નાગરિકોને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવાનું હોય છે.


4. ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તેમાં પણ આ જ થયું હતું. આતંકી ઠેકાણા અને આતંકીઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હુમલામાં અનેક આતંકીઓ માર્યા ગયા હતાં.


5. આ જ પ્રકારે ભારતીય સેનાએ મ્યાંમાર સરહદમાં દાખલ થઈને પૂર્વોત્તરમાં સક્રિય ઉગ્રવાદી જૂથ એનએસસીએન(કે)ની છાવણીઓને નિશાન બનાવી હતી. હુમલામાં અનેક ઉગ્રવાદીઓનો ખાત્મો ભારતીય સેનાએ કર્યો હતો.