નવી દિલ્હી: મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદની 297 દિવસની નજરકેદ આજે ખતમ થઈ. પાકિસ્તાનની પંજાબ પ્રાંતની એક કોર્ટે હાફિઝ સઈદના છૂટકારાના આદેશ આપી દીધા છે. છૂટકારાના આદેશ મળતા જ સઈદે કાશ્મીર રાગ છેડ્યો હતો અને કહ્યું કે કાશ્મીરને આઝાદ કરાવીને રહીશું. આતંકીનો આ છૂટકારો ભારતના મુંબઈ હુમલાને લઈને સઈદને ન્યાયિક પ્રોસેસમાં લાવવાના ભારતના પ્રયાસો માટે મોટો ઝટકો છે. સઈદ ચાલુ વર્ષ જાન્યુઆરીથી નજરકેદ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમાત ઉદ દાવાના ટ્વિટર પરના એકાઉન્ટ પર એક નાના વીડિયોમાં સઈદે કહ્યું કે કાશ્મીરના કારણે ભારત મારી પાછળ પડ્યું છે, પરંતુ મારા વિરુદ્ધની ભારતની તમામ કોશિશો નિષ્ફળ ગઈ અને હું છૂટી ગયો. આ સાથે જ તેણે કહ્યું કે પાકિસ્તાનમાં આઝાદીની જીત થઈ છે અને કાશ્મીર અમે લઈને રહીશું. 


આ બાજુ આતંકી હાફિઝ સઈદના છૂટકારા પર ભારતના વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ પ્રશ્ન પૂછીને કટાક્ષ કર્યો છે કે હવે 56 ઈંચની છાતી ક્યાં છે? કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે કારણ સ્પષ્ટ છે. પાકિસ્તાન આતંકવાદનો સંરક્ષક છે. હવે 56 ઈંચની છાતી ક્યાં છે?


પાકિસ્તાનની કોર્ટેના આ ફેંસલા પર અમેરિકાએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે સયુંક્ત રાષ્ટ્ર અને અમેરિકા બંનેએ જ્યારે આતંકી હાફિઝ સઈદને આતંકી જાહેર કરેલો છે ત્યારે તેને બહાર આવવાની મંજૂરી આપવી એ ચોંકાવનારું છે. અમેરિકાએ હાફિઝ સઈદ પર એક કરોડ ડોલર (લગભગ 65 કરોડ)નું ઈનામ પણ રાખ્યું છે. ટ્રમ્પ સરકારે તેને આદેશ સંક્યા 13224 અંતર્ગત વૈશ્વિક આતંકી જાહેર કરેલો છે. આ બાજુ સયુંક્ત રાષ્ટ્રે પણ એક પ્રસ્તાવ અંતર્ગત મુંબઈ હુમલા માટે તેને જવાબદાર ઠેરવ્યો હતો. 


બુધવારના રોજ હાફિઝ સઈદના છૂટકારાનો ફેસલો જાહેર કરતા કોર્ટે પંજાબ સરકારની નજરકેદ વધુ ત્રણ મહિના વધારવાની અરજીને ફગાવી હતી. ખંડપીઠના અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલ સમી ખાને કહ્યું કે હાફિઝ સઈદ જો અન્ય કોઈ મામલે વોન્ટેડ ન હોય તો સરકાર તેને છોડી દે. પંજાબ સરકારે જો તેને અન્ય કોઈ મામલે કેદી ન બનાવ્યો તો હાફિઝ આજથી જ પાકિસ્તાનમાં આઝાદ ફરશે.