ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. નવા વડાપ્રધાનને પસંદ કરવા માટે પાકિસ્તાનની જનતા પૂરેપૂરી રીતે તૈયાર છે. જો કે ચૂંટણીની પ્રક્રિયામાં શક્તિશાળી સેનાની ભૂમિકા ઉપર સવાલો ઉઠી રહ્યાં છે અને મોટી સંખ્યામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ જે પ્રકારે ચૂંટણીમાં ભાગ લઈ રહ્યાં છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશભરના 85,000 મતદાન કેન્દ્રો પર આજે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન જારી રહેશે. મતદાન પૂરું થયા બાદ તરત જ આ જ કેન્દ્રો પર મત ગણતરી પણ હાથ ધરવામાં આવશે અને 24 કલાકની અંદર જ પરિણામની જાહેરાત કરી દેવાશે. પાકિસ્તાન ચૂંટણી પંચના આંકડા મુજબ 3459 ઉમેદવારો નેશનલ એસેમ્બલીની 272 બેઠકો માટે મેદાનમાં છે. જ્યારે પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખા પ્રાંતિય એસેમ્બલીની 577 બેઠકો માટે 8396 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પૂર્વે મીડિયા પર લગામ કસવા માટે અનેક કોશિશો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સેના દ્વારા ગૂપચૂપ રીતે પૂર્વ ક્રિકેટર ઈમરાન  ખાનના અભિયાનને સમર્થન અને તેમના રાજનીતિક વિરોધીઓને નિશાન બનાવવાના પણ આરોપ લાગ્યા છે. પાકિસ્તાને પોતાના 70 વર્ષના ઈરિતાહમાં અનેકવાર સત્તાપલટો જોયો છે અને લગભગ મોટાભાગનો સમય સત્તાની બાગડોર પ્રત્યક્ષ રીતે સેના પાસે રહી છે. આ ઉપરાંત અસૈનિક શાસકોના કાળમાં પણ સેના શક્તિશાળી જોવા મળી છે અને દેશ તથા વિદેશની નીતિઓ તથા સુરક્ષા નીતિને નક્કી કરવામાં તેની ભૂમિકા મહત્વની રહી છે.


સેનાને મેજિસ્ટ્રેટ સ્તરની શક્તિ અપાયા બાદથી જ તેની ભૂમિકા ઉપર સવાલ ઉઠી રહ્યાં છે. મતદાન કેન્દ્રોની અંદર અને બહાર સેનાની તહેનાતી માટે પણ પાકિસ્તાનના ચૂંટણી પંચની આલોચના થતી રહી છે. સેના પ્રમુખ જનરલ કમર બાજવાએ જો કે ખાતરી અપાવી છે કે ચૂંટણી ડ્યૂટીમાં લગાવવામાં આવેલા સૈનિકો પંચની આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરશે. તેમણે કહ્યું કે સેના ચૂંટણી દરમિયાન ફક્ત સહયોગીની ભૂમિકા ભજવશે અને ચૂંટણી પ્રક્રિયાનું સંપૂર્ણ નિયંત્રણ ચૂંટણી પંચ પાસે જ રહેશે.


ભ્રષ્ટાચારના એક મામલે દોષિત ઠરેલા પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફ પણ એવો આરોપ લગાવી ચૂક્યા છે કે સેનાએ તેમને દોષિત ઠેરવવા માટે ન્યાયપાલિકા પર દબાણ કર્યું. જો કે બંને સંસ્થાઓએ આ આરોપોને ફગાવ્યાં છે.