પાકિસ્તાન PM મોદી માટે પોતાનો એર સ્પેસ તો ખોલશે, પરંતુ સાથે આપ્યું આ નિવેદન
પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી ઉડાણ ભરવાની મંજૂરી આપતા ભારતની ભલામણનો `સૈદ્ધાંતિક રીતે` સ્વીકાર કર્યો છે.
લાહોર: પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી ઉડાણ ભરવાની મંજૂરી આપતા ભારતની ભલામણનો 'સૈદ્ધાંતિક રીતે' સ્વીકાર કર્યો છે. એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીએ આ જાણકારી આપી અને આશા વ્યક્ત કરી કે ભારત શાંતિ વાર્તા માટે પાકિસ્તાનની રજુઆત પર ધ્યાન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે કિર્ગિજસ્તાનના બિશ્કેક શહેરમાં આયોજિત SCO (શાંઘાઈ સહયોગ સંગઠન)ની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. ભારતે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન માટે એર સ્પેસની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.
બેઠકનું આયોજન 13-14 જૂનના રોજ થવાનું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ આ સંમેલનમાં સામેલ થશે. બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલા બાદ પાકિસ્તાને પોતાનો એર સ્પેસ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો. ત્યારબાદથી તેણે પોતાના 11 હવાઈ માર્ગોમાંથી બે હવાઈ માર્ગો ખોલ્યા છે જે દક્ષિણી પાકિસ્તાનમાંથી પસાર થાય છે.
જુઓ LIVE TV