Pakistan Flood: પૂર અને ખાદ્ય સંકટથી પરેશાન પાકિસ્તાન, ભારતની સાથે શરૂ કરશે વ્યાપાર
Pakistan News: પાકિસ્તાનમાં પૂરને કારણે ખાદ્ય સંકટ સરકાર માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે અને ખાવા-પીવાની વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે પાકિસ્તાનના નાણામંત્રીએ ભારત સાથે વ્યાપાર શરૂ કરવાની સંભાવના વ્યક્ત કરી છે.
ઇસ્લામાબાદઃ પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન એકવાર ફરી ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઇસ્માયલે (Miftah Ismail) તેની જાહેરાત કરી છે. મિફ્તા ઇસ્માયલે કહ્યું- આ પૂર અને ખાવાની કિંમતોમાં વધારાને કારણે અમે ભારતની સાથે વ્યાપારનો માર્ગ ખોલીશું.
પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઇસ્માયલે આજે મીડિયાને કહ્યું કે હાલના પૂરથી પાક નષ્ટ થવાને કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાક અને અન્ય ખાદ્ય પદાર્થ આયાત કરવા વિશે વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન પ્રમાણે, ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદ કરતા મિફ્તા ઇસ્માઇલે એક સવાલના જવાબમાં આ વાત કહી છે.
લાંબા સમયથી ભારત સાથે વ્યાપાર શરૂ કરવાનો પ્રયાસ
સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસૂફ ભારતની સાથે વ્યાપારના સંબંધમાં કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યાં હતા. તો પાકિસ્તાનના પૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેકવાર ભારત સાથે વ્યાપાર ફરી શરૂ કરવાની વકાલત કરી હતી.
માર્ચ 2021માં પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિએ કહ્યું હતું કે તે દેશના ખાનગી ક્ષેત્રને ભારતથી 0.5 મિલિયન ટન ખાંડ અને કપાસની આયાત કરવાની મંજૂરી વાઘા બોર્ડર દ્વારા આપશે. પરંતુ આ નિર્ણય થોડા દિવસમાં પરત ખેંચી લેવામાં આવ્યો હતો. હકીકતમાં પીએમએલએન અને પીપીપીએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, જે હાલ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન હવે નહીં બચે! ટામેટાં 500 રૂપિયા અને ડુંગળી 400 રૂપિયા કિલો, મારી નાખશે મોંઘવારી
પાકિસ્તાનમાં કમરતોડ ભાવ વધારો
નોંધનીય છે કે પાકિસ્તાનમાં શાકભાજીની કિંમત આસમાને પહોંચી ગઈ છે. લાહોરની બજારમાં એક કિલો ડુંગળી 500 રૂપિયા કિલો અને ટામેટા 400 રૂપિયા કિલોની કિંમતે મળી રહ્યાં છે. આવનારા દિવસોમાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં હજુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબથી શાકની સપ્લાય પર ખરાબ અસર પડી છે.
હાલ લાહોર અને પંજાબના શહેરોમાં અફઘાનિસ્તાનથી ડુંગળી અને ટામેટાની સપ્લાય થઈ રહી છે. તોરખમ સરહદ દ્વારા આ સપ્લાય કરવામાં આવી રહી છે. આ પહેલા લાહોર બજાર સમિતિના સચિવ શહજાદ ચીમાએ પણ કહ્યુ હતુ કે સરકાર ભારતથી ડુંગળી અને ટામેટાની આયાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube