પાકિસ્તાનના PM બનતા જ એક્શનમાં ઈમરાન ખાન, અમેરિકાને સ્પષ્ટપણે સંભળાવી દીધુ!
અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓની પાકિસ્તાન યાત્રા પહેલા મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેમની સરકાર ટ્રમ્પ પ્રશાસનની એકતરફી માગણીઓને સ્વીકારશે નહીં. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓની પાકિસ્તાન યાત્રા પહેલા મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શુક્રવારે વડાપ્રધાન આવાસમાં પત્રકારોના સમૂહ સાથે વાત કરતા ઈમરાન ખાને પરસ્પર સન્માનના આધારે અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવાની તેમના પ્રશાસનની નીતિને દોહરાવી. અત્રે જણાવવાનું કે ભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાર્તા 6 સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની છે. આ બેઠક પહેલા માઈક પોમ્પિઓ 5 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન જવાના છે.
યુએનજીએ સત્રમાં પણ ભાગ નહીં લે ઈમરાન
ઈમરાન ખાન આગામી મહિને સયુંક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લેશે નહીં. કારણ કે તેઓ દેશમાં કેટલાક મહત્વના કામોમાં વ્યસ્ત છે. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં થનારા 73માં સયુંક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં વડાપ્રધાન ખાનની ગેરહાજરીમાં તેઓ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
કુરૈશીએ 28 ઓગસ્ટના કહ્યું હતું કે વડાપ્રધાન ખાન પોતાની નવી સરકાર પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે અને તેમનું માનવું છે કે દેશની વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે. જેમાં આર્થિક સ્થિતિ પણ સામેલ છે. સૂત્રોનો હવાલો આપતા સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હાલમાં વિદેશ મંત્રાલયની બેઠક દરમિયાન ખાને યુએનજીએ સત્રમાં ભાગ નહીં લેવાના સંકેત આપ્યા હતાં. તેમણે કુરૈશીને નિર્દેશ આપ્યા કે આગામી સયુંક્ત રાષ્ટ્ર સત્ર માટે તેઓ તૈયારી કરે.